"ડબલું" by Chandrasingh


Cover Page


પાણીને ઠંડુ રાખવા બનાવેલું "ડબલું"


"પોની આવે એટલે આ તારું ડબલું ભરી લેજે!" મમ્મીએ સાદ પાડ્યો.

"એ હારું!" ડબલું લઈ ઢાંકણું ખોલતાં હું બોલ્યો.


"ડબલું" શબ્દ મારા જીવનના તાણાવાણા સાથે ત્રણ વર્ષથી ઘડાઈ ગયો છે. ૨૦૧૯માં ૨૭વર્ષે હું નોકરીએ લાગ્યો. મારું પોસ્ટિંગ સુરેન્દ્રનગર થયું. નવો પ્રદેશ, નવા લોકો, નવી ભાષા, નવી ઓળખ ને નવી બોલી. આપડે રહ્યાં દેશી! એટલે કંઇ ઝાઝો ફરક ના પડ્યો. 


મારું ઘર મારા કાર્ય ક્ષેત્રથી લગભગ ૧૭૦ કિલોમીટર દૂર થતુ. આપણે જ્યારે પણ મુસાફરી કરતા હોઈએ, ત્યારે પાણી આપડી પહેલી જરૂરિયાત રહેતી હોય છે. મારે પણ કંઇક એવું થયું. શરૂઆતમાં હું મુસાફરીના સમયે પાણી માટે બોટલ રાખતો. બે વખત પાણી પીઓ એટલે બોટલ પૂરી. પછી પાણીની શોધમાં આમતેમ ભટકવાનું ચાલુ! મારી મુસાફરોના સમયમાં મારે એકબે વખત વલખાં મારવા પડતાં. મને આ થોડું અજુગતું લાગ્યું. મારી ભોમ સરગુડીમાં પાણીની લીલા લહેર હોય ને હું પાણી માટે આમતેમ વલખાં મારું; એ વળી કેમ શોભે! 


"કાલે, તને ડબલું બનાવી આપું! પછી પોનીની ચિંતા નઈ." પપ્પાએ મને આશ્વાસન આપતાં કહ્યું. 

એ દિવસે હું નોકરીથી ઘરે આવી રહ્યો હતો. પપ્પા સાઇકલ લઈને સામા મળ્યાં. કહ્યું,

"ડબલું બનાવી દીધું છે, જોઈ લેજે."


મારા મનમાં હરખનો ઉભરો આવ્યો. 

"હાશ! હવે શાંતિ."

ઘરે જઈ થેલો મૂકી કપડાં ઊતરતા પહેલા,

"મમ્મી, પેલું ડબલું ચ્યો સ.?"


"એર્યું લીંબુડીએ લટકાવેલું, હમણાં જ પાવડર થી ધોઈ પોની ભર્યું સે." મમ્મીએ કહ્યું.


મારી નજર મારા નવીન જીવન સાથી "ડબલા" પર પડી. એ પણ મને તાકીને જોઈ રહ્યું.   પીળા રંગનો એનો વાન; ઉપર ખોળપાપડીના કોથરાને ધોહી ને સાફ કરેલું કંતાન; કંતાન પર ફાટેલા જીન્સના પેન્ટ નું કાપડ: બંનેને સરસ પ્લાસ્ટિકની પાતળી દોરીથી એક દરજી પણ ના સીવી શકે એટલી બારીકાઈથી સીવીને સળિયાના ગાળા દ્વારા લીંબુડી લટકાવેલું! ડબલું  મૂળ ફોર્ચ્યૂન સન લાઈટ રિફાઇંડ પાંચ લીટર તેલનું વંશજ હતું, એટલે જ તો એનો રંગ પીળો હતો! ડબલાની રચના પપ્પાજીના મારા પ્રત્યેની કાળજીની નિશાની હતી. ડબલાંને દૂરથી પકડવા સાડીના છેડાને વળ ચડાવી  દોરી બનાવેલી! કદાચ આ કાર્ય કોઈ વર્ગ માટે તુચ્છ હશે, પરંતુ મારે મન આની કિંમત કરોડોમાં હતી. આ ડબલું એટલે હાલતું ચાલતું ફ્રીઝ! પ્રથમ નજરે  હું એના પ્રેમમાં પડી ગયો.


મને હવે જટ તરસ લાગી. મોડી(ઓસરી)માંથી પવાલું(ગ્લાસ) લાવી પાણી પીધું. એનો પ્રથમ ગુંટે મને પ્રથમ વરસાદની યાદ અપાવી દીધી. જેમ પ્રથમ વરસાદ ધરતીને મહેક વહેતી કરે છે; જેમ નવા પકવેલા માટલામાંથી પાણી પીતા અલગ મહેક આવે છે તેવી મહેક આ ઘૂંટમાં આવી. હું ધન્ય થયી ગયો. 


સવારે મારે અને મારા ડબલાએ નોકરી જવાનું હતું. પત્નીએ મારા કપડાંની સાથે ડબલા માટે નવી લુગડાંની થેલી શોધી લાવી. ત્રણ રંગની થેલી ત્રિરંગાને જેમ મારા હાથમાં શોભી રહી! આજદિન સુધી મારા હાથમાં રહેલ cello કંપનીના બાટલા કરતાં આજનું ડબલું વિશેષ ભાસી રહ્યું હતું. ડબલાં ની સાથે નાનો ગ્લાસ એની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યો હતો. 


હવે, પીવાના પાણીની શાંતિ થયી ગયી. ઘરે સવારે નળથી તાજુ પાણી ભરી લેવાનું, તે સાંજ સુધી ચાલે. વળી, સાંજે ક્યાંકથી ફિલ્ટરવાળું પાણી ભરી લેવાનું તે સીધું ઘરે આવું ત્યાં સુધી! મારા શરીરમાં વહી રહેલા પાણીમાં ડબલાના પાણીનો ફાળો વિશેષ રહ્યો છે. 


હું ડબલાં ને મારા જીવથી પણ વધુ સાચવું છું. મારું ડબલું પણ મને એના જીવથી વધુ સાચવે છે. મને યાદ છે ત્યાં સુધી સુડતાલીસ ડિગ્રી ગરમીમાં જ્યારે સ્ટીલના મોંઘા બટલાઓ ઉકળી ગયા હતાં, ત્યારે મારા ડબલાંએ મને ઠંડુ પાણી પાયું હતું. આજના કળયુગમાં આનાથી વિશેષ પ્રેમ શું હોઈ શકે!


અમારી માયા આ માયા રચનારથી સહન ના થઈ. મને ગાંધીનગરની બસ પકડવાની ઉતાવળ હતી. હું જટ ઊભો થયો. કંડકટર જાણીતા હોવાથી વાતે ચડી ગયો, એટલામાં ઇસ્કોન આવી ગયું. સિગ્નલ ચાલુ થવાની તૈયારીમાં હતું; હું ઝડપથી ઉતરી ગયો. ચાર રસ્તા પસાર કરી લીધા. સિગ્નલ ખુલી જતા બસ પણ ઉપડી ગઈ. 


મને થોડું અતડું લાગ્યું, "હાથ કેમ ખાલી ખાલી લાગે છે?"

"અરર...! ડબલું તો ભૂલી ગયો!"

"હવે!" નિસાસો નાખતાં.

ફોન ખિસામાંથી નીકળી ગયો. કંડકટરને ફોન લગાવતાં,

"બેન! સામેની સીટે મારું ડબલું ભૂલી ગયો છું, સંભાળીને લઈ લેજો! "


ઇસ્કોનથી ઘરે આવતાં ડબલાંના કેટકેટલા ઉપકાર યાદ આવી ગયાં. ડબલું જોડે હોય તો કેટલો ગૌરવ થતો...! આને તો કેટકેટલાંને પાણી પાયું હતું. મને ઘરે આવતાં તેના ના હોવાનો અફસોસ થવા લાગ્યો. 


"ડબલું ચ્યો જ્યું?"

સામે મળેલા મમ્મીનો આ સવાલ ઘણુંબધું કહી ગયો...!




સ્રોત: આપડી ખૂબ ઉપયોગી વસ્તુ ભલે સજીવ હોય કે નિર્જીવ, જ્યારે આપણાથી દૂર થાય છે ત્યારે તેનું મહત્વ સમજાય છે. ઘણીવાર તેને ફરી પામવા આખું આયખું ખર્ચાઈ જાય છે!

પ્રસ્તુત વાર્તા, મારા મિત્ર, જિતુભા ચાવડાની પ્રેરણાથી રચાઈ છે. હું ડબલા ના વિચારમાં હતો ત્યારે એમને કહ્યું,-

"તમે ડબલાંના વિરહને શબ્દોમાં ના લાવી શકો?"



લી. ચંદ્રસિંહજી પરમાર 

"#બાપુ_ઉવાચ"

મુ: સરગુડી 

તા: દહેગામ 

જી: ગાંધીનગર

https://youtube.com/c/ChandreshSir91






Comments

અદ્ભૂત...રચના છે .વ્યક્તિ નિર્જીવ હોય કે સજીવ જો તમે એને સાચવસો(પ્રેમ) તો એ તમને સાચવી લેશે...🌹🌹💖💖❤️❤️
Unknown said…
અદભુત સર્જન છે વાર્તા નું
Unknown said…
અદભુત સર્જન છે વાર્તા નું
Parth Prajapati said…
આપની વર્ણનશૈલી અદ્ભુત છે... 👌
Parth Prajapati said…
આપની વર્ણનશૈલી અદ્ભુત છે... 👌
Unknown said…
Wah ચંદ્ર બાબુ વાહ
Unknown said…
Jordar Chandra mja avi gi sache j 1 dablu ankh same tari avyu
Unknown said…
Jordar Chandra mja avi gi sache j 1 dablu ankh same tari avyu

Popular posts from this blog

હોળી

"Love in UKRAIN"(यूक्रेन में प्यार) by chandrasingh

"Love in UKRAIN(conclude)" by Chandrasingh