'તળાવ કાંઠે'
"તળાવ કાંઠે"(પ્રતિકાત્મક ચિત્ર) બાજરી વાઢવાનું કામ ચાલુ હતું. ઉનાળાનો ધોમ ધખતો તડકો અમારી પરીક્ષા કરી રહેલો. હવે, પાણી વિના ગળે સોસ પડી રહ્યો હતો. લગભગ બપોરના બાર વાગી રહ્યા હશે. દાડિયા સૌ છૂટા થયાં. હું ને મારા મોટાભાઈ મહેશ બંને ઘરે જવા નીકળીએ એ પહેલાં સાંજના ટાણે પીવાના પાણીની ગોઠવણ કરવાનું વિચાર્યું. “હાલ, બાબુ! આ બઈની(બરણી) પાણી ભરી લાયવીએ એટલે સાંજે નિરાંત!” “હા, ભાઈ. ચાલો!” અમે બે ખેતરવા દૂર આવેલા તળાવ પર પહોંચ્યા. આજે નર્મદાનું તાજુ પાણી આવી રહ્યું હતું. આ તળાવને ગામલોકો ‘વીજળી તળાવ’ કહે. તળાવના કાંઠે એકવીસ પગથિયાં ઊંડો ઘાટ બનાવેલો. ભરબપોરે તળાવ કાંઠે જૂનું શિવાલય વડલાની છાયમાં શોભી રહ્યું હતું. સીમમાં રહેતા મનેખ તળાવ ભરાતું હોય ત્યારે પીવા-વાપરવાનું પાણી ભરી જતાં ને સવારસાંજ કપડાં-વાસણ કરવા આવતાં. તળાવ ભરવા સરકારશ્રીની સૌની યોજના થકી નર્મદાની લાઈન નાખેલી જેથી કદી પાણીની તંગી ના પડે. તળાવના કાંઠે લગભગ પંદરમા પગથિયે એક ખખડધજ ઓરડી ઊભેલી. છવ્વીસ જાન્યુઆરીના ભૂકંપ પહેલા આ જમીનમાં પુષ્કળ પાણી હતું; એ વખતે આ ઓરડીનો ઉપયોગ બોરવેલના સંચાલન માટે થતો. હવે જ્યારે જ્યારે તળાવ સં...