ઉજ્જૈન દર્શન : હરસિદ્ધિ મંદિર
સત્તર તારીખની વહેલી સવારે, પાંચના ટકોરે અમે ઉજ્જૈનની પવિત્ર ભૂમિ પર પ્રથમ પગ મૂક્યો. અહીં "પ્રથમ" એટલે જીવનમાં પહેલીવાર. ચંદ્ર પર પ્રથમ પગ મૂકનાર નીલ આર્મસ્ટ્રોંગ ને દુનિયા ઓળખે છે જ્યારે બીજો પગ મૂકનાર તેનો સહવિજ્ઞાની બેઝ એલ્ડ્રીન ને આજે ગણ્યાગાંઠ્યા જ ઓળખે છે.અમારું પણ એવું હતું. ઉજ્જૈન ની આ પ્રથમ મુલાકાત હતી. આનંદ સાથે રોમાંચ પણ ઘણો હતો. અમે અમારો સામાન લઈ પ્લેટફોર્મ થી બહાર નીકળ્યા. ઉજ્જૈન રાજા વિક્રમાદિત્યના ન્યાય અને રામરાજ્ય નું પ્રતિક હતી એટલે રેલવે સ્ટેશને એમનો વિશાળ ફોટો દોરેલો હતો. મારા જોવાયેલા સ્ટેશનોમાં આ સ્ટેશન કઈક વિશેષ લાગતું હતું.અહીંથી લગભગ ત્રણ કિલોમીટર દૂર આવેલા હરસિદ્ધિ મંદિર જવા રિક્ષા કરી. અહી તો રિક્ષા પણ કેવી શણગારેલી! તમે એક કહેવત સાંભળી હશે, "દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી" ; એમ બાહરી દેખાવ કોઈને છેતરવા માટે હોય છે. અમારી સાથે પણ કંઇક એવું થયું. રિક્ષાવાળા એ અઢી કિલોમીટરના એંશી રૂપિયા લીધા. હરસિદ્ધિ મંદિરના દરવાજા પાસે ઉતર્યા. હવે છ વાગી ગયા હતાં. હરસિદ્ધિ આરતી સાત વાગે થવાની હતી. સ્થાનિક ને પૂછતાં ખબર પડી કે મંદિરની પાછળથી ક્ષિપ્રા...