અખાત્રીજ by chandrasingh

અખાત્રીજ: વૈશાખ સુદ ત્રીજ


પ્રસ્તાવના: 

ભારત એ સદીઓથી કૃષિપ્રધાન દેશ છે. કૃષિ એ છેક હડપ્પા કાળથી આવકનું સાધન બની રહ્યું છે. કૃષિ સાથે આજદિન સુધી રાજકીય, સામાજિક તથા આર્થિક સંબંધો બંધાઈ રહ્યા છે. તાજેતરની પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ તો વિશ્વને અન્ન પૂરું પડવાની જવાબદારી લેવા ભારત તત્પર છે અને WHO ના અધ્યક્ષને આ વિષયની ખાતરી પણ આપાયેલ છે. આ બધો સંદર્ભ તપાસતા, અખાત્રીજ વિશે જાણવું આપણા માટે અત્યંત મહત્વનું બની રહ્યું છે.

 અખાત્રીજ વૈશાખ સુદ ત્રીજના દિવસે ઉજવાય છે. અખાત્રીજનું બીજું નામ "અક્ષય તૃતીયા" છે. આ દિવસે કોઈપણ કાર્ય કરવા માટે મુહૂર્ત કે ચોઘડિયા પણ જોવા પડતા નથી. આ દિવસનો મહિમા એટલે અનેરો છે કે તમે કાળ ચોઘડિયામાં પણ કંઈ શુભકાર્ય કરો તો પણ તે લાભદાયી બને છે. 

અખાત્રીજ કે અક્ષય તૃતીયા નો ઉદભવ:

• અખાત્રીજના દિવસે મહર્ષિ જમદગ્નિ અને માતા રેણુકા દેવીના ઘરે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. ભગવાન પરશુરામ એ ભગવાન વિષ્ણુના  છઠ્ઠા અવતાર છે એવું માનવામાં આવે છે, એટલે આજે ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીજીની ઉપાસના કરવામાં આવે છે. ધન સંપન્ન લોકો આજના દિવસે સોનું જેવી કિંમતી ધાતુ ખરીદવાની આગ્રહ રાખે છે. સનાતન ધર્મમાં માત્ર બે એવા દિવસો આવે છે જ્યારે લોકો સોના જેવી કિંમતી ધાતુઓની ખરીદી કરી માતા લક્ષ્મીજીની પૂજા કરે છે.


• સનાતન ધર્મમાં મહાભારતને પાંચમો વેદ કહ્યો છે. વિશ્વના સૌથી મોટા મહાકાવ્ય મહાભારતની લખવાની શરૂઆત મહર્ષિ વેદવ્યાસ દ્વારા આજના દિવસથી થયી હતી. આજના દિવસે મહાભારતનો 18મો અધ્યાય: ભગવદ્ ગીતાનું વાંચન તેમજ શ્રવણનું મહાત્મય વધુ છે.

• અખાત્રીજના દિવસે માતા અન્નપૂર્ણા નો જન્મ દિવસ ઉજવાય છે. અન્નપૂર્ણા અખૂટ અન્ન આપનારી દેવી છે. જ્યારે મોટો પ્રસંગ હોય, મોટી જનમેદની માટે સામૂહિક જમણનો કાર્યક્રમ હોય ત્યારે રસોઈ તૈયાર થયા પછી તરત જ માં અન્નપૂર્ણા માટે ભાણું(બનાવેલી રસોઈને એક થાળીમાં મૂકી તૈયાર કરાતી પ્રસાદ) ભરવામાં આવે છે; જેનો ઉદ્દેશ્ય અખૂટ ભંડારની પ્રાથના હોય છે.

• ભારતની સૌથી પવિત્ર નદી અને ઉત્તર ભારતની જીવાદોરી ગંગાનું અવતરણ અખાત્રીજના દિવસે થયું હતું. રાજા ભગીરથ ના હજારો વર્ષના તપના પ્રભાવે પવિત્ર ગંગાએ પૃથ્વી પર આવવું પડ્યું હતું. અખાત્રીજના દિવસે ગંગા નદીમાં સ્નાન આજે પાપનાશક મનાઈ રહ્યું છે.

અખાત્રીજની ગુજરાતમાં ઉજવણી:

અખાત્રીજ એટલે નવા વર્ષનું આગમન. ગુજરાતમાં આ દિવસને અનેરું મહત્વ આપ્યું છે. ખેડૂતના હૈયે અખાત્રીજ એટલે પોતાના ઘરે આવેલો આનંદનો ઉત્સવ. ખેડૂતો આ દિવસે ધરતીમાતાની પૂજા કરી, પોતાના હળ અર્થાત્ આધુનિક યંત્ર વડે ખેતર ખેડે છે. અહી ખેતર ખેડવા ઉદ્દેશ્ય ઋતુંના પહેલા વરસાદના પાણીથી ખેતરની સૂકી માટીને તરબતર કરવાનો છે તથા ઉપરની માટીની ફળદ્રુપતા જાળવી રાખવાનો છે. દરેક ગુજરાતી પરિવાર આજના દિવસે કંસારના આંધણ ચડાવી એકબીજાને નવા વર્ષના આગમનનું મોઢું  મીઠું કરાવે છે. 

વહેલી સવારે તૈયાર થયેલી કૃષક સ્ત્રીઓ પુજાપો, કંસારનો થાળ, તાંબાના બેડામાં છલોછલ પાણી ભરી સીમ તરફ મીટ માંડે છે. પુરુષ પોતાના બળદો અથવા ટ્રેકટર તૈયાર કરે છે. જમીન પર અબીલ, ગુલાલ અને કંકુ વડે સાથીયો પૂરી દીવો અગરબત્તી કરી, કંસારનો પ્રસાદ ચડાવી ખેતરને ખેડવામાં આવે છે. ખેતરમાં ખેડ કરી ખેડેલી માટીમાં દીકરી દ્વારા પાણી નો અભિષેક કરવામાં આવેછે. આમ ખેડલી માટીને કળશના પાણીથી ઠારવામાં આવે છે. આ પ્રક્રિયાને પ્રાદેશિક ભાષામાં "હરોત્રા" કહેવામાં આવે છે. ઉત્તર ગુજરાતના અમુક પંથકમાં વરસાદ લંબાઈ જતાં, કુંવારી બાળકીઓ દ્વારા 'મેહુલો" કરવામાં આવે છે. 

ઉપરોક્ત વિધિવિધાનો થકી પર્જન્યના દેવને રીઝવવાના તમામ કાર્યો કરવામાં આવે છે. પ્રદેશ તથા ભૌગોલિક વિવિધતાઓ સંદર્ભે અખાત્રીજ ની ઉજવણીમાં પણ વિવિધતા દેખાય છે.

બિનકૃષિ વર્ગ દ્વારા અખાત્રીજની ઉજવણી: 

જે લોકો કૃષિ સાથે જોડાયેલા છે તે વરસાદના દેવની પૂજા કરે છે, જ્યારે વેપાર ધંધાદારી લોકો આ દિવસે "સોના" જેવી કિંમતી દ્રવ્યની ખરીદી કરે છે. ખરેખર, અખાત્રીજની ઉજવણી સેવાકાર્યો માટે થવી જોઈએ જ્યારે આજનો વર્ગ મૂડીને ભવિષ્યને સલામત કરવા માટે કરે છે. 

સારાંશ:  

સમય સાથે તહેવારોની ઉજવણીમાં પરિવર્તન આવી રહ્યું છે.  ટુંકી જમીન, ઔધોગિકરણ તેમજ શહેરીકરણના કારણે પરંપરાગત વિધિવિધાનો ભુલાઈ રહ્યા છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીએ 2022ના વર્ષને ખૂબ જ પ્રભાવિત કર્યું છે. કોરોના કાળની મંદી તથા રશિયા-યુક્રેન યુદ્ધે તહેવારોની ઉજવણી ફિક્કી કરી દીધી છે. માં અન્નપૂર્ણા આજની પરિસ્થિતિમાં સહુને ત્રણ વખતનું ભોજન આપે એવી શુભકામના.


જાય હિન્દ.

ચંદ્રસિંહજી પરમાર












Comments

Anonymous said…
Nice.. Babu sir
Anonymous said…
Nice babu sir

Popular posts from this blog

હોળી

"Love in UKRAIN"(यूक्रेन में प्यार) by chandrasingh

"Love in UKRAIN(conclude)" by Chandrasingh