'તળાવ કાંઠે'
| "તળાવ કાંઠે"(પ્રતિકાત્મક ચિત્ર) |
બાજરી વાઢવાનું કામ ચાલુ હતું. ઉનાળાનો ધોમ ધખતો તડકો અમારી પરીક્ષા કરી રહેલો. હવે, પાણી વિના ગળે સોસ પડી રહ્યો હતો. લગભગ બપોરના બાર વાગી રહ્યા હશે. દાડિયા સૌ છૂટા થયાં. હું ને મારા મોટાભાઈ મહેશ બંને ઘરે જવા નીકળીએ એ પહેલાં સાંજના ટાણે પીવાના પાણીની ગોઠવણ કરવાનું વિચાર્યું.
“હાલ, બાબુ! આ બઈની(બરણી) પાણી ભરી લાયવીએ એટલે સાંજે નિરાંત!”
“હા, ભાઈ. ચાલો!”
અમે બે ખેતરવા દૂર આવેલા તળાવ પર પહોંચ્યા. આજે નર્મદાનું તાજુ પાણી આવી રહ્યું હતું. આ તળાવને ગામલોકો ‘વીજળી તળાવ’ કહે. તળાવના કાંઠે એકવીસ પગથિયાં ઊંડો ઘાટ બનાવેલો. ભરબપોરે તળાવ કાંઠે જૂનું શિવાલય વડલાની છાયમાં શોભી રહ્યું હતું. સીમમાં રહેતા મનેખ તળાવ ભરાતું હોય ત્યારે પીવા-વાપરવાનું પાણી ભરી જતાં ને સવારસાંજ કપડાં-વાસણ કરવા આવતાં. તળાવ ભરવા સરકારશ્રીની સૌની યોજના થકી નર્મદાની લાઈન નાખેલી જેથી કદી પાણીની તંગી ના પડે.
તળાવના કાંઠે લગભગ પંદરમા પગથિયે એક ખખડધજ ઓરડી ઊભેલી. છવ્વીસ જાન્યુઆરીના ભૂકંપ પહેલા આ જમીનમાં પુષ્કળ પાણી હતું; એ વખતે આ ઓરડીનો ઉપયોગ બોરવેલના સંચાલન માટે થતો. હવે જ્યારે જ્યારે તળાવ સંપૂર્ણ ભરાય છે ત્યારે ત્યારે આ ઓરડી જળસમાધિ લઈ લે છે.
અમે તળાવે પહોંચ્યા. મારા કાને બાળકોનો અવાજ પડ્યો. મહેશભાઈને કાંઠે ઊભા રાખી હું પગથિયાં ઉતારવા લાગ્યો. બાળકોનો અવાજ પેલી ખખડધજ ઓરડીમાંથી આવતો હતો. નર્મદાના નીર ઓરડીમાં પ્રવેશી ચૂક્યા હતાં. હું ડરતા ડરતા ખવાઈ ગયેલા લોખંડના દરવાજાને ધક્કો મારી ઓરડીમાં પ્રવેશ્યો. મુન્નો, જાનકી, જ્યોતિ ને રૈલો એકબીજાનાં હાથ પકડીને ઊભા હતા. મને જોઈ એમનામાં હિંમત આવી.
“અલા… ઓય. અહીં કેમ આવ્યા છો? મરવાની બીક નથી લાગતી?”
“ચાલો…ચાલો…જલ્દી બહાર નીકળો, પાણી ભરાઈ ગયું છે, ડૂબી જશો…!” ગુસ્સાથી હું ત્રાટક્યો.
“અમે નઈ આઇએ, બાબુતાતા! આજ મલવા(મરવા) આયા સે.” સૌથી નાની દીકરીએ મોઢું ચઢાવીને કાલુડા સ્વરમાં જવાબ આપ્યો.
“બેટા! આ ઓરડીમાં તો ભૂત રહે છે. રોજ બપોરે પાણી પીવા નીકળે છે!”
“અમે કંઈ ભૂતથીય નહિ બીતા!” જ્યોતિએ વળતો પ્રહાર કર્યો.
“તને નઈ,તારી મમ્મીને ખાઈ જશે!”
જ્યોતિ અને તેની મમ્મી આઠ જણના પરિવારમાં અળખામણા હતાં. જ્યોતિના પપ્પા તેના જન્મથી તેની મમ્મીને બોલાવતા નથી. તેના પપ્પા દીકરો ઈચ્છતા હતાં પણ જન્મ જ્યોતિનો થયો. ત્યારથી તેની મમ્મી તેના દામ્પત્ય સુખનો ત્યાગ કરી જ્યોતિ માટે જીવી રહ્યાં છે.
ચારેઉ તળાવના ઊંડા પાણીની જેમ શાંત થઇ ગયા. વાતોમાં ને વાતોમાં પાણી ઘણું ચડી ગયું હતું. દરવાજાથી હવે નીકળી શકાય એમ નહોતું. હવે વધુ સમય ન બગડતા ચાર ભૂલકા સાથે મારો જીવ પણ બચાવવાનો હતો. મારા હાથમાં દંડ હતો. પિતાજી રાત્રે ખેતરમાં પાક સાચવવા જતાં ત્યારે આ દંડ અચૂક લઈ જતાં.એક પળનો પણ વિચાર કર્યાં વિના ઓરડીની કટાઈ ગયેલી લોખંડની બારી પર દંડથી પ્રહાર કર્યો. “ધમમ…” સાથે બારી તૂટી. આજે અમારો જીવ બચાવનાર આ દંડ બ્રહ્માસ્ત્ર ભાસી રહ્યો હતો. બારી બહાર મહેશભાઈ તૈયાર હતા. એકપછી એક એમ બધાને બચાવી લીધા.
બાળકો ગભરાયેલા હતાં, એટલે ઓરડીમાં કંઇપણ બોલવા સક્ષમ નહોતા. ચારેયને મંદિરના ઓટે બેસાડ્યા. સ્વસ્થ થતાં જોઈ;
“બોલ બેટા! કેમ ઓરડીમાં ગયા હતાં?” હેતથી માથે હાથ ફેરવતા મેં મુન્નાને પૂછ્યું.
“બાબુતાતા, માલી મમ્મી સવાલ મ કે’તીતી ક… તન બલીયાબાપા આયવા સે ઈમ… તલાવમ જઈ નાયખવાની સે!.” (બાબુકાકા, સવારમાં મારી મમ્મી કહેતી હતી કે તને બળિયાબાપા આવ્યા(અંગ્રેજીમાં ‘chichenpox’ રોગ) છે, માટે તળાવમાં જઈ નાખી આવવાની છે). ફ્રોક ઊંચું કરી, ડિલે ઉપસેલા ગુમડાં જેવા ઉઝરડા બતાવતા બોલી.
મુન્ના જેવી મીઠડી દીકરીના શબ્દો સાંભળતાં જ જાણે મારા મનમાંથી તૌકતે(ગુજરાતમાં આવેલું વિનાશક વાવાઝોડું) જેવું ભયાનક વાવાઝોડું પસાર થયી ગયું. હું અવાક્ બની સાંભળી રહ્યો.મુન્નાની વાત પરથી સમાજમાં ઘર કરી ગયેલી અંધશ્રધ્ધાની ગંધ આવતી હતી.
“જાનકી, તું કેમ ઓરડીમાં ગઈ’તી?” મહેશે કડકાઇથી પૂછ્યું.
“મારી મમ્મી મને કે’સે, તારા કરતાં મારા પેટ પથરો આયવો હોય તો સારું!. આ દારી (દાડી) કરીને સાત સોકરીઓ નું પૂરું કેમ કરવાનું? ઈમ…ઊ ઓરડીમાં ગઈ.” રડમસ અવાજે જાનકી એ જવાબ વાળ્યો.
સમાજમાં પ્રવર્તતો દીકરી પ્રત્યેનો ભેદભાવ: “દીકરી એટલે સાપનો ભારો” જેવા કુવિચારો પ્રત્યે ઘૃણા થવા લાગી. જાનકીની દુઃખ સામે મારા શારીરિક શ્રમનો દુખાવો નાનો પડવા લાગ્યો.
“રૈલા! તું કેમ આ બધા જોડે ગયો હતો?”
“મારા પપ્પાએ અઠવાડિયાથી ગેમ રમવા નઈ દીધી. ફોન લઈ લીધો. ને કે હવે તને ફોન નઈ મલે. નેટ પતી ગ્યું સે.” ગુસ્સે થયેલા વાંદરાની માફક દાંતિયા કાઢી, મોટા અવાજે બોલ્યો.
રૈલો પહેલાં ખોળાનો દીકરો; એટલે સૌનો માનીતો. માંગે તે મળે. આજ દિન સુધી દુકાનેથી તૈયાર ફૂડ પેકેટ જ ખાય છે. આઠમા ધોરણ સુધી ગામમાં ભણ્યો. નવમા ધોરણથી એના પિતાજી એ દૂરની શાળામાં ન મોકલી મોટી ભૂલ કરેલી, જે એક વર્ષ પછી સુધારી. તેને નવમા ધોરણમાં દાખલ કર્યો પણ ત્યારથી દેશમાં કોરોના આવ્યો. શાળાઓ બંધ. સરકાર નવો ફતવો લાવી. દર શનિવારે બાળકો ઓનલાઇન ટેસ્ટ આપે; એટલે વાલીઓ દ્વારા તમામ વર્ગના બાળકોને એન્ડ્રોઇડ મોબાઈલ ફોન લાવી આપવા પડ્યા. પાછું, છસો રૂપિયાનું ચોર્યાશી દિવસનું નેટ તો ખરું જ! રૈલાની બોલવાની કળા હું કળી ગયો. ફોનની લત બાળકો માટે કેટલી ભયાનક છે તેની આજે ખબર પડી.
“તળાવની કાંઠે મને લાધ્યું બ્રહ્મજ્ઞાન,
માનવ મનને ભાપવું છે અઘરું કામ.”
તારણ:
હાલની પરિસ્થિતિમાં બાળકોનો સામાજિક, માનસિક તથા વ્યવહારુ વિકાસ રૂંધાઇ રહ્યો છે. સરકારને ચુંટણી ટાણે કોરોના ના નડ્યો જેવો શાળાઓ શરૂ કરવામાં નડ્યો. આ વિચારોના વાવાઝોડાએ મારા મસ્તિષ્કમાં અસંખ્ય પ્રશ્નોના બીજ રોપ્યાં. “શું દીકરીને દીકરાની જેમ સ્વતંત્ર રીતે જીવવાનો અધિકાર નથી? શું બાળક નાનું હોય એટલે એ લાગણીશીલ ન હોય? શું સમાજમાં પ્રવર્તતી અંધશ્રધ્ધાથી પ્રેરાઈ આપણે આપણા સ્વજનોનું અહિત એક મુક પ્રેક્ષક બની જોઈ રહેવું જોઈએ? શું બાળકોને મોબાઈલ ફોન અને ટીવીની લતથી દૂર રાખવા એ આપણો પારિવારિક ધર્મ નથી? “वसुधैव कुटुंबकम्” ની દ્રષ્ટીએ ભારત દેશને આપણે એક કુટુંબ માનીને ચાલીએ તો કુટુંબના વડીલ તરીકે સરકારશ્રીની શું જવાબદારી હોવી ઘટે?
લેખક પરિચય:
શ્રી ચંદ્રસિંહજી પરમાર “સરગુડી”
તા: દહેગામ. જી: ગાંધીનગર
Comments
Tamaru darek lakhan book ma chhapay evi subh hamana
👍👍👍👍👍👍👍👍