હોળી

                      




ભારતમાં ધર્મ: 

ભારત તહેવારોનો દેશ છે એમ કહીએ તોય કાઈ ખોટું નથી, કારણ ભારતની પવિત્ર ધરા માથે અનેકો નાનામોટા તહેવારો અનેકો લોકો દ્વારા ઉજવવામાં આવી રહ્યા છે; હોળી એમાંનો એક છે. આપણને ક્યારેય એવો વિચાર આવ્યો કે, ભારત વિશ્વમાં હવે વસ્તની બાબતે લગભગ ચીનથી પણ આગળ નીકળી ગયો છે; તે દુનિયાના આર્થિક રીતે પછાત ગણાતા દેશોમાં આવતો હોવા છતાં સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ છે. તમે ક્યારેય સાંભળ્યું કે અમેરિકામાં જીસસ ક્રિસ્ટ સિવાય બીજા કોઈ દિવિદેવતાઓની પૂજા થાય છે; તમે ક્યારેય સાંભળ્યું કે ભારતની કોઈપણ પ્રાથમિક શાળામાં ભણતા ભૂલકાઓને દફતરમાં બંદૂક રાખવી પડે છે જેમ અમેરિકા જેવી મહાસત્તાના બાળકોને રાખવી પડતી હોય! તમે ક્યારેય સાંભળ્યું છે કે ભારતના ભિખારીઓ પાસેથી લાખો રૂપિયાની રકમ મળી હોય જ્યારે અમેરિકા, યુરોપના ગર્ભશ્રીમંત ગણાતા દેશોમાં ભિખારીઓ ન હોવા છતાં પૈસા ખાતર ગમે ત્યારે વિદેશીઓ ઉપર ગોળીબાર કરી દેતા હોય! એવું ક્યારેય સાંભળ્યું છે કે ભારતમાં અમેરિકાની જેમ બાળક યુવાન થતાં સરકારને આશરે છોડી દેવામાં આવે! ઉપરના તમામ તથ્યોનું કારણ ભારતની ભૂમિ દેવોની ભૂમિ છે; ધર્મની ભૂમિ છે. ભારતમાં ભિખારીઓની સંખ્યા વધુ છે એનું મુખ્ય કારણ ભારત દાનવીરો નો દેશ રહ્યો છે, અહીં ભગવાનના નામ પર સર્વસ્વ લૂંટાવી દેનારા પડ્યા છે.

ધર્મના સંદર્ભમાં હોળી:

 હોળી ફાગણ સુદ પૂર્ણિમા ના દિવસે ઉજવાતો હોળીનો ઉત્સવ સમગ્ર ભારત ઉપરાંત નેપાળ , સુરીનામ , ગુયાના , ટ્રિનિદાદ એન્ડ ટોબેગો , દક્ષિણ આફ્રિકા , મોરેશિયસ , ફીજી , મલેશિયા , યુનાઇટેડ કિંગડમ , યુનાઈટેડ સ્ટેટ્સ , નેધરલેન્ડ , કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં અલગ અલગ નામે ધામધૂમથી ઉજવાય છે. આ તહેવાર મુખ્યત્વે દુનિયાના દરેક ખૂણે વસેલા હિન્દુઓ દ્વારા ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં એટલી તાકાત છે કે છેક મહાભારત કાળ પહેલાના સમયથી બનેલી હોલિકા દહન ઘટના; જે એક રીતે સત્યના વિજયનું પ્રતીક છે; તે વખતોવખત ભારત પર થયેલા વિદેશીઓના ક્રૂર આક્રમણો, સામૂહિક ધર્મ પરિવર્તનો, લૂંટફાટ, કતલેઆમ વચ્ચે પણ આજે અવિરત એક ઘનઘોર વડલા સમો દરેક ધર્મને સાંકળી, સમગ્ર ભારતીયોને પ્રેમના રંગી રહ્યો છે. વર્ષ દરમિયાન ઉજવાતા તહેવારોમાં લગભગ એંસી ટકા તહેવારો હિન્દુ ધર્મના છે. બિન હિન્દુઓ જેવા કે મુઘાલકાળમાં જહાંગીર દ્વારા તેના દરબારમાં ઈદ_એ_ગુલાબી નામે રંગોત્સવ ઉજવ્યાનો ઉલ્લેખ મળે છે.


હોળીના તહેવાર વિશે દંતકથાઓ:


૧.) રાધાકૃષ્ણ અને હોળી: હોળી એટલે રંગોત્સવ અથવા પ્રેમ વ્યક્ત કરવાનો ઉત્સવ. ભગવાન શ્રી બાળકૃષ્ણ જ્યારે વ્રજમાં હતા ત્યારે મહારાજા કંસ દ્વારા મોકલેલી પૂતના નામક રાક્ષસી દ્વારા સ્તનપાન કરાવાતાં સુંદર દેખાતા બાળકૃષ્ણ શ્યામ પડી જાય છે. રાધા ફગણસુદ પૂર્ણિમાએ શ્યામ વર્ણ કૃષ્ણને પ્રેમરૂપી રંગ લગાડી એમના વાસ્તવિક રૂપનો સ્વીકાર કરતા, રંગોત્સવ(હોળી) ની શરૂઆત થઈ હોય એવું મનાય છે.


૨.) ભગવાન વિષ્ણુ અને હોળી: હિરણ્ય કશ્યપના વૈષ્ણવ પુત્રને મારવા બહેન હોલિકા સળગતી આગમાં પોતે આગમાં ન સળગવાના વરદાનનો દુરુપયોગ કરતા પોતે સળગી જાય છે જ્યારે ભક્ત પ્રહલાદ નો આબાદ બચાવ થાય છે, જેની યાદમાં હોળીના બીજા દિવસે ધુળેટી ઉજવાય છે.


૩.) ભગવાન શિવશક્તિ અને હોળી: ભગવાન શિવ અઘોર તપમાં બેઠા હતા. પાર્વતીજીને ચિંતા થઇ કે જો ભગવાન સમાધિમાંથી પાછા નહિ આવે તો અનર્થ થઇ જશે; આ શંકાથી પ્રેરાઈ પાર્વતીજીએ કામદેવને ભગવાનનું તપ ભંગ કરવા કહ્યું. કામદેવ એટલે પ્રેમના દેવતા. વસંતપંચમીના દિવસે શિવજીના અખંડ તપમાં ભંગ થતા સામે ઊભેલા કામદેવ ભસ્મ થઇ ગયા. કામદેવની પત્ની રતી પતિને જીવિત કરવા ચાલીસ દિવસ શિવજીનું તપ કર્યું. શિવજી પ્રસન્ન થતા ચાલીસમાં દિને કામદેવને જીવિત કર્યા. વસંત પંચમીથી ચાલીસ દિવસ એટલે ફાગણ સુદ પૂર્ણિમાએ હોળી ઉજવાય છે. માતા પાર્વતી અને કામદેવની પત્ની રતીના પ્રેમની જીત થતા હોળી એટલે રંગોત્સવ ઉજવવાનું શરૂ થયું.


હોળીની ઉજવણી: 




         (Palaj Holi, Gandhinagar)

હોળીના સંધ્યા ટાણે હોળી સળગાવવામાં આવે છે. તાજા જન્મેલા બાળકની પ્રથમ હોળીએ તેના પરિવાર દ્વારા અગાઉથી તૈયાર કરાયેલ ઓરૈયા, ધાની, ખજૂર, આઈડાને આગમાં હોમવામાં આવે છે. મહિલાઓ આ પવિત્ર આગની પ્રદક્ષિણા કરતાં શાસ્ત્રીય ગીતો ગાવામાં આવે છે. ગાંધીનગરમાં આવેલા પાલજ નામના ગામે હોળીની આગ પૂરી થતાં તેના અંગારા રસ્તા પર પાથરી દેવામાં આવે છે જેના પરથી કોઈ પણ દર્શનાર્થી ખુલ્લા પગે ચાલી શકે છે, ચમત્કાર તો ત્યારે થાય છે જ્યારે તમે રૂબરૂ અંગારા પર ચાલો અને લેશ માત્ર પણ દઝતા નથી, સળગતા અંગારા માત્ર તમને કાંકરાની જેમ ખૂંચશે. ગુજરાતના ઘણા ગામડાઓમાં હોળીના ભળકા થકી આગામી વર્ષના વરસાદના વર્તારા કરવામાં આવે છે. એક કોળા માટીના ઘડામાં ચાર માટીના લાડવા મૂકવામાં આવે છે, આ ઘડાને હોળી સળગાવવાના સ્થળે સળગાવ્યા પૂર્વે ખાડો કરી દાટી દેવામાં આવે છે. હોળી સંપૂર્ણ સળગી જાય પછી આ ઘડાને ગામના મુખ્ય માણસ દ્વારા બહાર કઢાય છે; ચાર લાડવા માંથી જેટલા લાડવા ભીના હશે એટલા મહિના વરસાદ પડશે એવું માનવામાં આવશે.

હોળીની ઉજવણી ઉત્તરભારતમાં ખાસ કરીને વ્રજમાં એકબીજા પર રંગો નાખીને ઉજવાય છે. દક્ષિણ ભારતમાં રંગોત્સવ સાથે સાથે કેટલીક રમતોનું પણ આયોજન કરવામાં આવે છે. પૂર્ણિમાની રાત્રે ગામ કે ચોરામાં વિધિવિધાનો સાથે હોલિકા દહન કરવામાં આવે છે. સ્પેનમાં ઉજવાતો ટોમેટો ફેસ્ટિવલ નામે તહેવાર એ ભારતની ધુળેટી જ છે, જેમાં લોકો દ્વારા રંગોની જગ્યા ટામેટા ફેંકવામાં આવે છે. ગામડાઓમાં કેમિકલવાળા રંગોનું ચલણ નહિવત હોય છે, અહી લોકો એકબીજા પર પશુઓ નું ગોબર પાણીમાં ઓગળી એકબીજા પર રેડી દે છે, જે કેમિકલ યુક્ત રંગો કરતા સ્વાસ્થ્યપ્રદ છે.


       (ગોળ ગધેડા મેળો, દાહોદ)

આદિવાસી સમુદાયમાં હોળીનું અનેરું મહત્વ છે. હોળીનું મહત્વ તેમના માટે દિવાળી કરતાંય વિશેષ હોય છે. વતનથી દૂર મજૂરી કરવા ગયેલા પરિવારો હોળીએ વતનમાં અચૂક પાછા ફરે છે. તમારે જો હોળીનું મહત્વ ઊંડાણથી સમજવું હોય તો હોળીના સમયે એકવાર દાહોદ વિસ્તારમાં જવા અનુરોધ કરું છું. હોળીની રાત્રિથી માંડી છેક રંગ પંચમી સુધી તમામ આદિવાસી પરિવારો એમના પરંપરાગત પોશાકમાં, એમના વાજિંત્રો સાથે ઉત્સવ ઉજવે છે. હોળી પછીના પાંચ દિવસમાં યુવક યુવતીઓના લગ્નો થાય છે. ગુજરાતમાં દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ખાતે ગોળ ગધેડાનો મેળો ભરાય છે, જેને બીજા શબ્દોમાં આદિવાસી સ્વયંવર પણ કહેવાય છે. આ મેળામાં ઢોલ નગારાના તાલે આદિવાસી પોયારાપોયારી નૃત્ય કરે છે. ચોક ની વચ્ચે રાખેલા ઊભા થાંભલા પર ગધેડાની જેમ છોકરીઓ નો માર ખાઈ જે યુવાન ગોળની પોટલી ઉતારી લાવે તેને સ્પર્ધક કન્યાઓ માંથી જીવનસાથી પસંદ કરવાની અનુમતિ મળી જાય છે.



હોળીનો પ્રકૃતિ સાથે સંબંધ:

હોળી ફાગણ સુદ પૂનમે આવે છે. ફાગણ એટલે વસંત. વસંત એટલે પ્રકૃતિનો પુનર્જન્મ. વસંતની શરૂઆતમાં વૃક્ષોના જૂના પર્ણો ખરી પડે છે ને ફૂલ, ફળ સાથે નવાની શરૂઆત થાય છે. ભારતીય સંસ્કૃતિ મુજબ વસંત પાંચમી એટલે પ્રેમને વ્યક્ત કરવાનો દિવસ. નીચેની પંક્તિઓ પરથી તમને વધુ સમજણ પડશે:


        (કેસૂડો)

પર્ણ ઓછા ને ફૂલ જાજા,

જુઓ ને લચી પડ્યો આ કેસુડો...

આંખો થી જોવાય,પણ આંખ માં ના સમાય,

રંગ એવો કંઈક ભરી જાય, આ કેસુડો...

રંગે રાતો,ને મદમાતો,

એના રંગે રગી જાય,આ કેસુડો...

ડાળે થી તોડ્યું,જરા એક ફૂલ,

હૃદયે વસી જાય,આ કેસુડો..."

આખું વર્ષ ખાખરા નામે ઓળખાતું વૃક્ષ અચાનક એના કેસરી શૌર્યના રંગને લીધે કેસુડા તરીકે ઓળખાય છે. કેસુડાના ફૂલને ગરમ પાણીમાં ઉકાળતા ઘાટો કેસરી રંગ બને છે, આ પાણી એકબીજા પર છાંટતા આગામી ઉનાળામાં પડનારી ગરમીમાં રાહત આપનાર હોય છે. તાજા જન્મેલા બાળકની કેસુડાના પાણીથી સ્નાન કરાવતા ઉનાળામાં લૂ લાગવાની સંભાવના ઘટી જાય છે. હોળી લગભગ માર્ચ મહિનામાં આવે છે. માર્ચ મહિનો ઠંડી ઘટવા અને ગરમી વધવાનો મહિનો છે. આખો દિવસ ગરમી લાગે તો પરોઢિયે ફૂલગુલાબી ઠંડી. કવિ કાલિદાસે ની રત્નાવલી કૃતિમાં હોળીનું વર્ણન જોવા મળે છે. જેમ શ્રાવણ મહિનો બીમારીનો મહિનો છે તેમ ફાગણ મહિનો પણ બીમારીનો મહિનો છે જેનું મુખ્ય કારણ ઋતુ પરિવર્તન છે. હોળીના તહેવારમાં ખજૂર અને ધાણી ખાવામાં આવે છે જેનો સીધો સંબંધ આરોગ્ય સાથે છે. ખજૂરનો ગુણધર્મ કફ નાશક છે, જેથી ઋત પરિવર્તનમાં સેવન કરવાથી તમારા શરીરમાંથી કફનો નિકાલ થાય છે જેથી તમે અનુક્રમે શરદી, ઉધરસ, તાવ જેવી બિમારીથી બચી શકો છો. હોળાષ્ટક પૂરું થતા લગ્નોની સીઝન ખૂલે છે. 

      (આરોગ્યપ્રદ ખજૂર)

આમ હોળી અને ધુળેટી એ દરેક ઉંમરના લોકોને પ્રકૃતિ સાથે જોડતો; રવી પાકની લણણીનો, નવા ધાન્ય પાકો ને ઘરમાં ભરવાનો અનેરો ઉત્સવ છે. ભારતમાં હોળીનો ઉત્સવ ધર્મ, સમાજ, ભૌગોલિક વિવિધતા મુજબ સાંસ્કૃતિક રીતિરિવાજો સાથે ઉજવાય છે.

લેખક: ચંદ્રસિંહજી પરમાર "સરગુડી"
          દહેગામ, ગાંધીનગર.




Comments

Gs said…
Happy holi��good information about holi festival ����
Parth Prajapati said…
વાહ ! અદ્ભુત વર્ણન...👌👌👌
Anonymous said…
Happy Bolo અદભુત વર્ણન

Popular posts from this blog

"Love in UKRAIN"(यूक्रेन में प्यार) by chandrasingh

"Love in UKRAIN(conclude)" by Chandrasingh