એક વિધાર્થીનું આંતરમન
ગુજરાતી ભાષાના પ્રખર પંડિત એવા શ્રી રાવજીભાઈ ડાહ્યાભાઇ પટેલ તારીખ 27 ઓક્ટોબરના રોજ સાદાઈથી નિવૃત્ત થયાં. શ્રી ગાયત્રી વિદ્યામંદિર હાઇસ્કુલ એમના 34 વર્ષના સેવા કાળ ની સાક્ષી બની ઉભી છે. લીહોડા તથા તેનાં પરા ગામમાં બે પેઢીના બાળકો એમના હાથ નીચે ભણી ગયાં. એમની ભણાવવાની શૈલી ગજબની! એમનાં દ્વારા ભણાવાયેલ ગુજરાતી વ્યાકરણ આજે પણ મારા હૃદયમાં સચવાયેલું છે.
રાવજીભાઈ પટેલનો જન્મ 26મી જૂન 1962 ના રોજ ગાંધીનગરના દહેગામ તાલુકાના છેવાડાના એવા જીંડવા ગામના મધ્યમ વર્ગીય કુટુંબમાં થયો હતો. નાની ઉંમરે પિતાશ્રીનું અવસાન થતાં ઘરની જવાબદારી એમના માથે આવી પડી. પિતાની છત્રછાયા વિના જ ઘરનું ગુજરાન અને ભણતરનું ભાથું સાચવી રાખ્યું.
એમનાં માનમાં મને આ પંક્તિઓ લખવાનુ મન થાય છે:
"ત્રેવડ જેટલી હોય એ વિધિ!(૨) કર ઘા,
હું નવો અવતાર ધરીને આવીશ.
તેડાવ તાંડવી મારૂતો મુજ કાજ,(૨)
હું શૈલ પુત્ર બનીને આવીશ.
લોઢું ગરમ જોઈ ઉઠાવી લે ઘણ.(૨)
પાણ કાપી શકે એ ધાર બનીને આવીશ.
છીણી, હથોડાનો કરી લે પ્રહાર,(૨)
સૌકોઈ નમે એ 'મૂરત' બનીને આવીશ.
જે હસી રહ્યાં છે મુજ પર આજ,(૨)
એમનાં હૃદયનું "રાજ" બનીને આવીશ.
ગરીબી મારી મજબૂરી છે વડીલ!(૨)
આંતરથી (હૃદય) અમીર બનીને આવીશ.
કહે છે "ચંદ્ર" હે વિધી!
ચલાવી જો...(૨) તૂણીરના તમામ વાણ,
હું "બ્રહ્માસ્ત્ર" નો ટંકાર કરીને આવીશ."
(નોંધ: કાવ્ય પઠન વખતે "(૨)" એટલે "વાક્યને બે વાર બોલવું)
રાવજીભાઈ સાહેબ ગુજરાતી વિષય સાથે અનુસ્નાતક થયાં. પહેલેથી ગુજરાતી વિષયમાં રુચિ અને ભાષા પક્કડ જે એમની સફળતાની કૂંચી બની. M.A. B.ed. ની ડીગ્રી હોવાથી 1લી જુલાઈ 1986ના રોજ લીહોડા ગામની શ્રી ગાયત્રી વિદ્યામંદિર હાઈસ્કૂલમાં ગુજરાતી શિક્ષક તરીકે જોડાયા. રાવજીભાઈ ના પરિવારમાં પાંચ દીકરીઓ અને એક દીકરો છે. રાવજીભાઈ ના મતે, "દીકરી એટલે વ્હાલનો દરિયો; દીકરીને જેટલું વહાલ કરો એટલું ઓછું છે." આપણે સમાજમાં ઘણાં દાખલા જોયાં છે, જ્યારે માબાપ વૃદ્ધ થઈ જાય; સંપત્તિ વહેંચાઈ જાય ત્યારે માબાપ ની સેવા કાજે દીકરીઓ દોડતી આવે છે.
શિક્ષક હોવાની સાથે સાથે એક પિતા તરીકેની જવાબદારી પણ બખૂબી નિભાવી છે. "દીકરીને ભણાવવાની શું કામ? એતો પારકી થાપણ છે!" એવી રૂઢિગત માન્યતાઓને પડકારી રાવજીભાઈ એ એમની પાંચેય દીકરીઓને ભણાવી; એમાંથી આજે બે દીકરીઓ નિશા અને સંગીતા સરકારી શાળામાં શિક્ષક છે. સૌથી નાની દીકરી આશા અને દીકરો અક્ષય હજુ ભણી રહ્યા છે. "દીકરી તો સાપનો ભારો!" એ કહેવત ને એમણે ધરમૂળથી બદલી નાખી.
કહેનારા કહે છે, " થોડી મૂડી બચાવી રાખો પગારમાંથી, નિવૃત્તિ પછી કોઈની સામે હાથ ફેલાવવો નહિ પડે!"
રાવજીભાઈ માને છે, " મારી સાચી મુડી મારા સંતાનો છે. હું છું એટલે મારા સંતાનો છે અને મારા સંતાનો એજ મારી મૂડી!." દીકરીઓના અભ્યાસ માટે તેમણે અમદાવાદમાં ઘર પણ લીધું.
શ્રી રાવજીભાઈ શિક્ષક તરીકે:
( ગાંધીવાદી જીવનશૈલી જીવતા શ્રી રાવજીભાઈ પટેલ)વ્યક્તિગત રીતે હું રાવજીભાઈ થી ખૂબ જ પ્રભાવિત છું, એનો અર્થ એ નહિ કે શાળાના બીજા શિક્ષકો મને ઓછા ગમે છે. મારા સરગુડીમા ધોરણ 7 સુધીના વર્ગો હતાં; 2004 મા હું આઠમા ધોરણમાં પ્રવેશ મેળવ્યો. મને અગાઉ વાત મળેલી કે રાવજીભાઈ સાહેબ સ્વભાવે કડક છે. પહેલી પાટલી પર બેઠેલાને જ ઉભા કરી પ્રશ્નો પૂછે છે. આપણે તો ગામના વિષ્ણુની બાજુમાં છેલ્લી પાટલીએ બેઠા. વિષ્ણુ ધોરણ આઠમાં બીજીવાર બેઠો હતો, એટલે સિનિયર કહેવાય. કોઈક સાથે બબાલ થાય તો આપણને બચાવી લે એવો હતો એટલે!
મધ્યમ કદનું શરીર, મજબૂત બાંધો, વાળ સરસ ઓળેલા, સફારીના સ્વાંગમાં કાળાં બૂટ ધારી, નીચા કદના વ્યક્તિ વર્ગમાં પ્રવેશ્યા. છોકરાઓ ઉભા થયાં, "Good morning Sir!"
"Good..... Morning....!" ઘેરા, જાડા અવાજમાં પ્રત્યુત્તર મળ્યો. વિષ્ણુએ મને કોણી મારી, " આજ રાવજીભાઈ સાહેબ!".
મને બીક લાગી. હું વિષ્ણુને કંઇક પૂછે એ પહેલાં ચપટીનો અવાજ સંભળાયો, "એઈ.....! ઊભો થા. ક્યાંથી આવે છે?" હું ઊભો થઈ ગભરાતા અવાજે બોલ્યો, " સરગુડીથી સાહેબ...!"
મારો નિર્દોષ અને ગભરાયેલો ચહેરો જોઈ, સાહેબે મને બેસાડી દીધો. એ દિવસે સાહેબે " ભૂતળ ભક્તિ પદારથ મોટું" નરસિંહ મહેતાની કવિતા ચલાવી. છેલ્લે! કવિતાના સ્વાધ્યાયમાં સાથે સાથે કવિ પરિચય અને કાવ્ય પરિચય પણ લખવા આપ્યો. તે દિવસે મને આટલું બધું લખવાનુ સાંભળી ખૂબ ગુસ્સો આવેલો પણ મને ખબર નહોતી કે લખવાથી અક્ષરની સાથે સાથે જોડણી, વાક્ય શુદ્ધિ મા પણ સુધારો આવતો હતો. સાહેબની ભણાવવાની પદ્ધતિ પણ વિશિષ્ટ હતી. એ ભણાવતા ત્યારે વર્ગમાં સો ટકા ધ્યાન રહેતું, કારણ ગમે ત્યારે ગમે તેને ઉભા કરી દે. એમની ભ્રમરો વધુ આગળ ઉપસી હોય, અવાજ વધુ બુલંદ હોય ત્યારે અમને ખૂબ ડર લાગતો; પરંતુ એમની રસપ્રદ શૈલીમાં ભણવું એક લાહ્વો હતો.
રાવજીભાઈ નો સ્વભાવ નારિયેળ જેવો છે, બહારથી સખત ને અંદરથી કોમળ. કોઈવાર બાળકો પર હાથ ઉપડી જતો તો પોતે આખો દિવસ દુઃખી રહેતાં. " સોટી વાગે ચમ ચમ, વિદ્યા આવે ધમ ધમ" એ કહેવત અમારા પર સાર્થક હતી. આજે મને નવાઈ લાગે છે કે સરકાર અને માનવાધિકાર વાળા એ કેમ 2012 થી બાળકો પર હાથ ઉપાડવાનું બંધ કરાવ્યું છે? શિક્ષક કાંઈ વિદ્યાર્થીનો શત્રુ થોડો છે? શિક્ષક માત્ર બાળકને શીખવાડવા માટે આ પગલું ભરે છે.
હું નવમાં ધોરણમાં આવ્યો. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ અભ્યાસક્રમ બદલાયો હતો. મારે સાહેબનો પારિચય વધી ગયો. સાહેબને વિશ્વાસ હતો કે આ વખતે બોર્ડમાં ચંદ્રસિંહ જ પ્રથમ નંબર લાવશે. શાળામાં મારી નિયમિતતા અને શિસ્ત, પ્રામાણિકતાને કારણે મારી શાળા પરિવારમાં સારા વિદ્યાર્થી તરીકેની છાપ ઊભી થયી; સૌકોઈનો પ્રિય થયી પડ્યો. ક્યારેય સાહેબનો ગુસ્સો કે ઠપકો સહન નથી કરવો પડ્યો. હું નવમાં ધોરણમાં હતો ત્યારે અમને તેઓ ગુજરાતી ઉપરાંત જીવ વિજ્ઞાન, અંક ગણિત, સંસ્કૃત જેવા વિષયો પર પણ એમની પકડ સારી હતી. મને પ્રાથમિક શાળાના સમયથી અંક ગણિત અને અંગ્રેજી સતાવતાં હતાં.
રાવજીભાઈ સાહેબનો ગણિતનો પીરીયડ મારા માટે ખૂબ જ અઘરો રહેતો. એમના દ્વારા શીખવાડેલું નફા_ખોટનું પ્રકરણ મને હજુ યાદ આવે છે. 'નફોખોટ' આમ તો કંટાળાજનક છે, પરંતુ તેઓ તેને વ્યવહારું જીવન સાથે સાંકળી દેતાં. સરળ ઉદાહરણો આપી છેલ્લી પાટલી ના વિધાર્થીને સમજાવવાનો પ્રયત્ન કરતાં; આટલી મહેનત થી સમજણ ના પડે તો પછી બ્રહ્માસ્ત્ર ઉઠાવી લેતાં.
રાવજીભાઈ સાહેબ નો બીજો વિષય જીવ વિજ્ઞાન હતો. કહેનારા કહેતાં હોય છે કે, "આર્ટસ વાળા ને આર્ટસ સિવાયના વિષયોમાં ટપ્પો ના પડે." રાવજીભાઈ સાહેબે આ વિધાનને મિથ્યા કરી બતાવ્યું. ધોરણ દસ સુધીના તમામ વિષયો એમને ફાવતા. ગુજરાતી વિષયથી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને અંગ્રેજી, ગણિત તથા સંકૃત આંખમાં કણા ની જેમ ખૂંચતા હોય છે જ્યારે રાવજીભાઈ જેવા કર્મનિષ્ઠ શિક્ષકો એને બખૂબીથી ભણાવતા હોય છે. ભારત આવા કર્મનિષ્ઠ જીવાત્મા સંપન્ન દેશ છે; દાખલા તરીકે સ્વામી વિવેકાનંદ જેઓ કોઈપણ પુસ્તકને માત્ર એકજ વાર વાંચતા, ને યાદ રહી જતું. શ્રી અરવિંદ ઘોષે અગિયાર ભાષાઓમાં સાહિત્ય રચ્યું છે. નવમાં ધોરણમાં સાહેબની આત્મીયતા મારી સાથે પ્રઘાટ બની ગઈ.
હું દસમાં ધોરણમાં આવ્યો. અમારાં સદનસીબે આ વર્ષે પણ અભ્યાસક્રમ બદલાયો. અંગ્રેજી ફરજિયાત થયું ને હિન્દી/સંસ્કૃત પી.ટી.અને ચિત્ર વિકલ્પ તરીકે રખાયું! મારે આ વર્ષે બોર્ડમાં પ્રથમ નંબર લાવવાનો હતો. હું દ્વિધામાં હતો કે સંસ્કૃત રાખું કે હિન્દી. વિકલ્પ વિષય તરીકે મેં સાહેબનો આગ્રહ હોવા છતાં સંસ્કૃત ની બદલે હિન્દી અને ચિત્ર પસંદ કર્યું. પ્રથમ પરિક્ષામાં સારા ગુણ આવતાં રાવજીભાઈએ બધાં જ વિદ્યાર્થીઓની વચ્ચે મને ઊભો કરી મારા જેવું પેપર લખવા સહુને પ્રેરણા આપી, મને અભિનંદન આપ્યાં. એક શિક્ષક વિધાર્થીને ચાલું વર્ગમાં ઉભો કરી એની પ્રશંસા કરે, એનાથી વિશેષ સુખ એક વિદ્યાર્થી માટે શું હોઈ શકે? મારું સેર લોહી વધી ગયેલું! બધાં વિષયોમાં સારા ગુણ મેળવવાથી હું શિક્ષક બેડામાં પ્રખ્યાત થયી ગયો. એ વખતે શાળાના ચારેય શિક્ષકોએ પરીક્ષાલક્ષી સાહિત્ય મેળવવામા મને ખૂબ મદદ કરેલી; મને કેરોસીનના દીવાના અજવાળે રાત્રે દોઢ વાગ્યા સુધી વાંચવાની પ્રેરણા મળેલી એની પાછળ મારી શાળાના ગુરુજનો હતાં. એક ભૂલ મને હજુ પણ અફસોસ કરાવે છે, જો મે સંસ્કૃત રાખ્યુ હોત તો આજે શ્રી ગાયત્રી વિદ્યામંદિર ના તેજસ્વી તારલાઓમા "ગાયત્રીબેન દિલીપભાઈ પટેલ_૨૦૦૭" ના બદલે મારું નામ હોત!
'અર્થશાસ્ત્રના' અને નીતિશાસ્ત્રના મહાન પ્રણેતા મહાગુરું ચાણક્ય("કૌટિલ્ય") ના મતે,
"शिक्षक कभी साधारण नहीं होता,
प्रलय और निर्माण उनकी गोदमे पलते हैं।"
વર્તમાન સંદર્ભમાં શિક્ષકની વ્યાખ્યા કરીએ તો, શિક્ષક એટલે માત્ર વર્ગખંડમાં શિક્ષણ આપે એ જ નહિ; શિક્ષક એટલે એ વ્યક્તિ જેને વિદ્યાર્થી માતાપિતા પછી ત્રીજા ક્રમનો દરજ્જો આપતો હોય; શિક્ષક એટલે એવી વ્યક્તિ જે વિદ્યાર્થીના અંતરમનમા ઉતરી એના પ્રશ્નોનું નિરાકરણ લાવતો હોય; શિક્ષક એટલે એવી વ્યક્તિ જેની આગળ વિદ્યાર્થી નીડર બની પોતાની શંકાઓનું નિરાકરણ લાવી શકતો હોય; શિક્ષક એટલે એવી વ્યક્તિ જે ભણવામાં તેજસ્વી પરંતુ આર્થિક રીતે અસમર્થ વિદ્યાર્થીનો હાથ પકડી નિસ્વાર્થ પણે મદદ કરતી હોય!
🙏જય ગુરુદેવ🙏
✍️ ચંદ્રસિંહ જી. પરમાર "બાપૂ_ઉવાચ"(સરગુડી, દહેગામ, ગાંધીનગર)



Comments