ઉજ્જૈન દર્શન : હરસિદ્ધિ મંદિર

 




સત્તર તારીખની વહેલી સવારે, પાંચના ટકોરે અમે ઉજ્જૈનની પવિત્ર ભૂમિ પર પ્રથમ પગ મૂક્યો. અહીં "પ્રથમ" એટલે જીવનમાં પહેલીવાર. ચંદ્ર પર પ્રથમ પગ મૂકનાર નીલ આર્મસ્ટ્રોંગ ને દુનિયા ઓળખે છે જ્યારે બીજો પગ મૂકનાર તેનો સહવિજ્ઞાની બેઝ એલ્ડ્રીન ને આજે ગણ્યાગાંઠ્યા જ ઓળખે છે.અમારું પણ એવું હતું. ઉજ્જૈન ની આ પ્રથમ મુલાકાત હતી. આનંદ સાથે રોમાંચ પણ ઘણો હતો.  અમે અમારો સામાન લઈ પ્લેટફોર્મ થી બહાર નીકળ્યા. ઉજ્જૈન રાજા વિક્રમાદિત્યના ન્યાય અને રામરાજ્ય નું પ્રતિક હતી એટલે રેલવે સ્ટેશને એમનો વિશાળ ફોટો દોરેલો હતો. મારા જોવાયેલા સ્ટેશનોમાં આ સ્ટેશન કઈક વિશેષ લાગતું હતું.અહીંથી લગભગ ત્રણ કિલોમીટર દૂર આવેલા હરસિદ્ધિ મંદિર  જવા રિક્ષા કરી. અહી તો રિક્ષા પણ કેવી શણગારેલી! તમે એક કહેવત સાંભળી હશે, "દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી" ; એમ બાહરી દેખાવ કોઈને છેતરવા માટે હોય છે. અમારી સાથે પણ કંઇક એવું થયું. રિક્ષાવાળા એ અઢી કિલોમીટરના એંશી રૂપિયા લીધા. 

હરસિદ્ધિ મંદિરના દરવાજા પાસે ઉતર્યા. હવે છ વાગી ગયા હતાં. હરસિદ્ધિ આરતી સાત વાગે થવાની હતી. સ્થાનિક ને પૂછતાં ખબર પડી કે મંદિરની પાછળથી ક્ષિપ્રા નદીના રામઘાટ પર જવાય છે. વિજય; માસીનો દીકરા એ મારી ટ્રોલી બેગ ચલાવી લીધી. રામઘાટ ખરેખર જોવાલાયક છે.

         
       (રામ ઘાટ)


રામઘાટ એ સ્થળ છે જ્યાં દર બાર વર્ષે સિંહસ્થ કુંભમેળો ભરાય છે. તે ચાર મેળામાં એક છે જે પરંપરાગત રીતે કુંભ મેળા તરીકે ઓળખાય છે, અને તે ઉજ્જૈન કુંભ મેળા તરીકે પણ ઓળખાય છે . હિન્દુ પૌરાણિક કથા અનુસાર , વિષ્ણુએ અમૃતાના ટીપાં (અમરત્વનું પીણું) ચાર સ્થળોએ મૂક્યા , જ્યારે તેને કુંભમાં લઈ ગયા.આ ચાર સ્થળોમાં હરિદ્વાર, પ્રયાગ, નાસિક અને ઉજ્જૈન નો સમાવેશ થાય છે. ભારતના કોઈપણ ધર્મ માટે આ ચારેય સ્થળ  સ્નાનની બાબતે ખૂબ મહત્વના છે.અમે પાંચો એ ક્ષિપ્રા સ્નાન કર્યું. ગંગા, યમુના, સરસ્વતી ત્રિવેણી સંગમ ગોદાવરી  તથા ક્ષિપ્રા જેવી પવિત્ર નદીઓમાની એકમા અમે સ્નાન કરી ધન્યતા અનુભવી. યાદગીરી રૂપે ફોટા પાડ્યા. 

 બારીકાઈથી નિરીક્ષણ કરવાનો મને ભારે શોખ. રામઘાટ પર એક દ્રશ્ય આજે‌પણ મારી સ્મૃતિ આગળ રમતું રહે છે. ક્ષિપ્રા માં સાત ડૂબકી લગાવતાં મારી નજર ધૂણતી મહિલા પર પડી. એના પરિવાર જનો એણે વિંટળાયેલા હતાં. પૂછપરછ કરતાં ખબર પડી કે તે મહિલા પ્રેતાત્મા એ વશ કરી હતી. મહિલા ના છૂટાં વાળ, કર્કશ અવાજ ને સામાન્ય મહિલા કરતાં વધુ બળ ઉપર ની વાતની સાક્ષી પુરતું હતું. ઘાટ પર ભૂતપ્રેત ભગાવનાર શિવજી નું પ્રાચીન મંદિર આવેલું છે. અહીં લોકો આવી વીધિ કરવા મોટા પ્રમાણમાં આવે છે. જે રીતે ગુજરાત માં સિધ્ધપુર અને ચાણોદ પૈતૃક વિધિ માટે જાણીતા છે એમ આ ઘાટ પણ જાણિતો છે. ઘાટ ની બંને બાજુ તમને પૂજારીઓ ની હાજરી અચૂક જોવા મળશે. રામઘાટ પર નકારાત્મક વાત એ જાણવા મળી કે, જો તમે સ્નાન કરવાનાં છો તો તમારે કપડાં સાચવનાર જોઇશે. સમય કહે ભાઈ મારું કામ. જ્યારે તમે ખૂબ ખુશ હો ત્યારે સમય જલ્દી નહી જાય છે. માં હરિસિધ્ધિની આરતી શરું થઈ ગઈ.

અમે ઉતાવળ કરી મંદિર પહોંચ્યા. મંદિર ના પ્રાંગણમાં વિશાળ જનમેદની હતી. એકબીજા ની ઓવરટેક કરી માં ભવાની ના ગર્ભગૃહ ની સામે ઉભો રહ્યો. એકાવન શક્તિપીઠ માનું એક માં ‌હરસિદ્ધિ મંદિર દેદિપ્યમાન ભાસી રહ્યું હતું. માં હરિસિધ્ધિની મૂર્તિ તેજોમય હતી. માં હરિસિધ્ધિના દર્શન થતાં રાત્રિના ઉજાગરા નો થાક ય ઉતરી ગયો. નગારાં આને પખાજના નાદથી ઉજ્જૈન શહેર ભક્તિમય થઇ ગયું. માં હરિસિધ્ધિના જયઘોષ સાથે ભક્તો ભક્તિરસમાં લીન થઈ ગયા. આરતી પુરી થઈ. 

એકાવન શક્તિપીઠ ની ઉત્પત્તિ કેવી રીતે થયી એની દંતકથા અને પુરાણોમાં આ માહિતી આપવામાં આવી છે: સૃષ્ટિની રચના માટે બ્રહ્માજી શિવમાં શક્તિનું સર્જન કરે છે. સર્જનનું કામ પુરુ થતાં બ્રહ્માજીના પુત્ર દક્ષ આ શક્તિને પોતાની દીકરીના રૂપમાં અવતરવા વચન માંગ્યું. શક્તિ(પાર્વતી) દક્ષના ઘરે મોટી થતાં શિવભક્તિ આદરી. દક્ષની મરજી વિરુદ્ધ શિવ અને પાર્વતી ના લગ્ન થયા. બ્રહ્માજી શિવ સામે જુઠ્ઠું બોલતા શિવજીના શાપ થી તેમનું માથું કપાઈ ગયેલું. હવે તેમને ચાર માથા રહ્યાં, આ બનાવનો બદલો લેવા દક્ષે યજ્ઞ કર્યો અને જાણીજોઈને શિવજી ને ન તેડાવ્યા. યજ્ઞમંડપમા દક્ષ દ્વારા ભરમેદ વચ્ચે શિવનું અપમાન કરતાં, સતિ પાર્વતીજીએ દક્ષને શાપ આપી પોતાનુંં જીવન ત્યાગી દીધું. શિવજી આઘાત સહન ન થતાં માતા પાર્વતીજીના શવને હાથમાં લઈ તાંડવ આદર્યું.  સૃષ્ટિને પ્રલયથી બચાવવા વિષ્ણુજીએ એમના "સુદર્શન ચક્ર" વડે માતાના શવના એકાવન ટુકડા કરી દીધા. આ એકાવન ટુકડા જ્યાં પડ્યા તે સ્થાન પવિત્ર થયી ગયું અને માં નો કાયમી વાસ થયી ગયો. ઉજ્જૈન હરસિદ્ધિ મંદિરની જગ્યાએ માતાની કોણી નો ભાગ પડયો હોવાનું મનાય છે. માતા હરસિધ્ધિ ની મૂર્તિને ઘાટા વર્મિલિયન રંગથી બનાવવામાં આવી છે, જેની બાજુમાં મહાસરસ્વતી અને મહાલક્ષ્મીની મૂર્તિઓ છે. આ મંદિર મરાઠા સમયગાળા દરમિયાન બનાવવામાં આવ્યું હતું.

બીજી દંતકથામાં રાજા વિક્રમ સાથે જોડાયેલી છે. રાજા વિક્રમ પરમાર વંશનો શાસક હતો અને માં હરસિધ્ધિ નો પરમ ઉપાસક હતો. અવારનવાર વિક્રમ માતાના દર્શનાર્થે ગુજરાતના મિયાણી આવતા. રાજા વિક્રમે માતા હરસિધ્ધિ ને રિઝવી ઉજ્જૈન આવવા કહ્યું. માતા હરસિધ્ધિ વિક્રમની ભક્તિથી પ્રસન્ન થઇ કહ્યું કે‌ સૂર્યાસ્તે તે ઉજ્જૈન આવશે ને‌ સૂર્યોદયે એમના મૂળ થાનક મિયાણી હશે. ત્યારથી માતા હરસિધ્ધિ નો વાસ ઉજ્જૈનમાં છે. 


    (પ્રાચીન દીપ સ્તંભ)


માં  હરસિધ્ધિના ગર્ભગૃહ ની સામે બે પ્રાચીન દીપ‌સ્તંભ આવેલા છે. આ પત્થરનો દીપ સ્તંભ રાજા વિક્રમે બંધાવ્યા હોય એવું મનાય છે. સંધ્યા આરતી ટાણે સ્તંભ પર એક હજાર ને અગિયાર દીપ ‌પ્રજ્વલિત કરવામાં આવે છે. મૂળ મંદિરની બાજુમાં ભૂગર્ભ મંદિરમાં માતા હરસિધ્ધિ ની અખંડ જ્યોત આવેલી છે, અને કહેવાય છે કે આ જ્યોત સ્થાનક જ માતાનું મૂળ સ્થાનક છે.
મંદિર પરિસરમાં ઈશાન ખૂણે ગણપતિજી નું મંદિર આવેલું છે. 


   (ભૂગર્ભ મંદિર: માં હરિસિધ્ધિ ની અખંડ જ્યોતિ દર્શન)


માતા રાજરાજેશ્વરી હરસિદ્ધિ નો શીરાનો પ્રસાદ લઇ મહાકાલેશ્વર દર્શન માટે નીકળી પડ્યાં. 



- ચંદ્રસિંહ જી. પરમાર "સરગુડી" (દહેગામ)



Comments

Popular posts from this blog

હોળી

"Love in UKRAIN"(यूक्रेन में प्यार) by chandrasingh

"Love in UKRAIN(conclude)" by Chandrasingh