ઉજ્જૈન દર્શન: રેલ મુસાફરી
હું , મનુ, મહેશ ને વિજય સોળ ઓક્ટોબરની સાંજે સાબરમતી એક્સપ્રેસ પકડવા, ઘરેથી સાડા ચારે સરખી તૈયારી કરી નીકળી પડ્યા. ટ્રેન રાતના નવ વાગે કાલુપુર જંક્શનના નવમાં નંબરના પ્લેટફોર્મ થી ઉપાડવાની હતી. અમારે જવાનું હતું ઉજ્જૈન નગરી; રજા વિક્રમની તપોભૂમિ. માં હરિસિદ્ધી અને મહાકાલેશ્વર ના દર્શન કરી ધન્ય થવા અમે નીકળી પડ્યાં. અમારી સાથે મારો સહકર્મચારી વિજય પણ સવા આઠેં સ્ટેશને પહોંચી ગયો. અમે પાંચ પાંડવ અમારા પ્લેટફોર્મ પર પહોંચી ગયા, 09165નંબરની ગાડી મુકાઈ ગઈ હતી. અમે અમારા D2 વિભાગ નો ડબ્બો શોધી અમારી જગ્યા લઇ લીધી. અમારા પાંચ માટે આ જીવનનો પહેલો પ્રવાસ હતો. આમ તો હું ને વિજય ગુજરાત રોડ ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતા હોવા છતાંય રેલ પ્રવાસની ઘેલછા આજે પૂરી થયી. હું અગાઉ ઘણી વાર ટ્રેનના મુસાફરી કરી ચુક્યો છું પણ આ મુસાફરી કંઇક અલગ હતી. ટ્રેનની સ્વચ્છતા જોઈ મને કોરોના ને આભાર માનવાનું મન થયું. અમારો ડબ્બો એકદમ સ્વચ્છ અને સુઘડ હતો. અમારા પાંચ ની બેઠક અલગ ડબ્બામાં હતી એટલે અમને સામાન નું જોખમ પણ હતું, ખાસ કરીને જીતેન્દ્રસિંહ ના કેમેરાનું.
નવના ટકોરે ગાડી પાટા પર સરકવા લાગી. અમારો આનંદ એની ચરમ સીમાએ પહોંચ્યો. અમારે અમદાવાદથી ઉજ્જૈન 446 કિલોમીટર સાડા આઠ કલાકમાં કાપવાનુ હતું. અમદાવાદ, મહેમદાવાદ, નડિયાદ, આણંદ, વાસદ, બાજવા, છાયાપૂરી, ગોધરા, દાહોદ ને રતલામ જેવા મોટા જંક્શન એક પછી એક પસાર થયી રહ્યાં. ચાલીસેક મિનિટમાં નડિયાદ આવ્યું. હિન્દીભાષી મુસાફરો નો ધસારો શરૂ થયો. અમારા બંને ડબ્બામાં હિન્દીભાષી લોકો જ હતાં. હવે ખાલી પડેલી બેઠકો ભરાવા લાગી. લગભગ બાર વાગ્યા સુધી તો અને બેઠક લીધી જ નહિ, દરવાજે ઉભા રહ્યાં. આણંદ આવતા વરસાદે અમારું સ્વાગત કર્યું. એકબાજુ ટ્રેનની ધસમસતી ગતિ ને બીજીબાજુ મેઘતાંડવ. ઠંડા પવનના સૂસવાટા અમને બેઠક પર જવા મજબુર કર્યા. "થચક_થચક.... થચક_થચક...થચક_થચક" નો ટ્રેન નો નાદ જાણે કે કુદરતના "ધડામ_ધમ....ધડામ_ધમ....ધડામ_ધમ...." ને દબાવી દેવા માંગતો હોય!
મારું વ્યક્તિગત મંતવ્ય છે કે દૂરની મુસાફરી તો ટ્રેનમાં જ કરવી, કારણ ટ્રેનમાં તમને ઘણો બધો સરો_ખોટો અનુભવ થશે. મને એ જાણીને નવાઈ લાગી કે આવી રાત્રિની એક્સપ્રેસ ટ્રેનમાં, માંગવા વાળાને કોણ બેસવા દેતું હશે? આપડે જો ભૂલથી રેલવે સ્ટેશનની અંદર પાંચ રૂપિયાની પ્લેટફોર્મ ટીકીટ લીધા વગર પકડાઇ એ તો રેલવે પોલીસ પાંચના પાંચસો રૂપિયા પડાવી લે; જ્યારે આવા માગણ કેવી રીતે ફરતાં હશે? શું એ ને પણ મારા જેટલું એકસો પાંસઠ રૂપિયા ખર્ચી એડવાન્સ બુકિંગ કરાવ્યું હશે?
ગોધરાથી એક ભાઈ અમારા ડબ્બામાં આવ્યો, એની ટીશર્ટ કાઢી અમારી બેઠક નીચે તળિયું લૂછવા લાગ્યો. મને કહે, " साब, रुपया!" મે આડું જોયું. મને ખબર હતી કે આવા માંગણ અત્યારે આવા કામના બહાના કરી મુસાફરો નો સમાન, મોબાઈલ, તેમના ઘરેણાં વગેરે જોઈ લે અને જ્યારે આપડે ત્રણ વાગ્યાની આસપાસ ભૂલથી સૂઈ જઈએ ત્યારે આપડો સમાન લઈ એમના નક્કી કરેલા સ્થળે ગાડી ધીમી પડતાં ઉતરી પડે. અને એમના પાછળ જવું જીવ થી હાથ ધોવા જેવું છે. તે આગળ વધ્યો. એના પછી એક મહિલા આવી, સોળે શણગાર સજી. ગાલ પર પાવડરનું લીંપણ કરી, માથામાં વાળને વળાંક આપી પૈસા માંગવા લાગી. મનુ ને કહે, " ए हीरो! पैसे ला। नवरात्र शुरू हुआ है कुछ दान कर।" મારો નાનો ભાઈ મનુ, મંદિરમાં જાયને તોય પૈસો ના મૂકે. કહે, " ભગવાનને વળી પૈસા શું કરવા છે? એતો હજાર હાથ વાળો છે. એણે તો આપણને આટલું અમૂલ્ય શરીર(હાથ, પગ, નાક, કાન, પાચન તંત્ર અને બુદ્ધિ) આપ્યું છે તો એણે (ભગવાન) રૂપિયો એટલે કે ક્ષુદ્ર ભેટ આપીને આપડે શું સાબિત કરવા માંગીએ છીએ? મનુ પણ મને અનુસર્યો. બાઈ આગળ વધી. એટલામાં પેલો માંગતો પુરુષ ત્યાં આવી ચડ્યો. બંને ઊંચા સ્વરે લડવા લાગ્યા જાણે એ પતિપત્ની ના હોય! મહિલા મનુ ને કહે, " ए चिकने! मुझे फ़ोन करना है। एक फ़ोन लगा।" મનુ એટલે પહોંચેલી માયા. એણે ખબર કે આવા લોકોને તમે ફોન લગાવી આપો એટલે આપડાથી દૂર જઈ લાંબી વાતો કરે, તમે જલ્દી ફોન મૂકો તો સામે થી ફોન આવે ને છેલ્લે કંટાળીને તમે ધ્યાન ન આપો એટલે તે લાચાર ને ગરીબ વ્યક્તિ તમારા ફોન સાથે ફરાર. મનુએ એના ફોન ને airoplane મોડ પર રાખી ફોન લગાવ્યો. મહિલા હોશિયાર હતી; આમેય ચોર હોંશિયાર જ હોય એટલે તો આજે પોલીસ ને અપડેટ રહેવું પડે છે. મહિલાએ મનુ ને મુરખ ના બનાવીશ એમ જણાવ્યું. પછી તો મનુએ ચોપડાવી જ દીધું.
હવે અમે મધ્યપ્રદેશમાં પ્રવેશી ચૂક્યા હતાં.મારા ફોનમાં MP-jio નો સંદેશ આવી ગયો. અમે છયાપૂરી સ્ટેશને પહોંચી ગયા હતાં. હું જે બેઠક પર હતો એ ભાઈએ મને, "खड़े हो भैया। यह सीट मेरी है।" આપડે ગુજરાતી એટલે દયાળું પ્રજા. મે મારી બેઠક એક બાળકને સુવા આપી હતી. હું ઊભો થઈ બીજે બેઠો. આ અમારો પ્રથમ આંતરરાજ્ય પ્રવાસ હતો. એમને ખબર ન હતી કે આપડે બેઠકની ઉપરના બેડ પર સૂઈ જવું જોઈએ જેથી લાંબા અંતરમાં આરામ મળે. હિન્દી લોકો ફટાફટ બેડ પર ચઢી ગયા.
મારી એક કુટેવ છે; નિરીક્ષણ કરવાની. સત્તર તારીખથી નવરાીત્ર ચાલુ થતી હતી. ટ્રેનમાં જેટલા પણ જોડાં હતાં એ બધાંમાં સ્ત્રીઓ વિશેષ રીતે તૈયાર થયી હતી. નવી સાડી, બંગડી, હાથપગની આંગળીએ વીંટી ને વિશેષ રીતે પગની પાની એ ગુલાબી રંગની રંગોળી. મને નવાઈ લાગી કે હિન્દી સ્ત્રીઓ માત્ર નવરાત્રિમાં જ આવો શણગાર કર્યો હશે? પાની એ મહેંદી મુકી છે કે બીજું કંઈ? આ પ્રશ્ન નો જવાબ મને ઉજ્જૈનમાં મળ્યો.
દુકાનદારના મતે, "नवरात्र में हमारे यहां महिलाएं ऐसा रंग लगाते क्योंकि यह रंग शुभ माना जाता है। हमारे मध्यप्रदेश में दुर्गापूजा होती है यानी कि हर ब्याहित महिला दुर्गा यानि शक्तिका स्वरूप है, और हम शक्तिकी पूजा करते है।"
" हमारे गुजरात में तो यह रिवाज नहीं है।"
"भैया, आपके गुजरात में बहोत लक्ष्मी है। हमारा चूल्हा आपके आने से जलता है। सारे भारत से लोग कमाने गुजरात जाते है। हमें तो सिर्फ आपकी महारबानी चाहिए।"
મારા ગરવા ગુજરાતની ગાથા આમ બિનગુજરાતીના મોઢે સાંભળવાનો લાહ્વો મારા માટે અહોભાગ્ય હતું. મારું શેર લોહી વધી ગયું. રાત વધવા લાગી હતી. ગાડી રતલામથી આગળ નીકળી. અમે જે ટ્રેનમાં હતાં એની બાજુમાં બીજો ટ્રેક હતો. બંને ટ્રેક પર ગાડી સામસામી ભેગી થતાં, અમારો રોમાંચ ચાર ગણો થયી જતો. મારા સાથીઓમાં મહેશભાઈ અને મારા સિવાય બધા ઊંઘમાં જોકાં ખાવા લાગ્યા. લગભગ ચાર વાગ્યાના સુમારે મને પણ જોકું આવી ગયું. જાગ્યો ત્યારે ટ્રેન ધીમી પડી રહી હતી, સ્ટેશન આવી રહ્યું હતું.
વિજય, " ચંદ્રસિંહ, જોતો કયું સ્ટેશન આવ્યું?"
હું આમતેમ સ્ટેશન નું બોર્ડ જોવા લાગ્યો. મને એમ કે હજુ પાંચ વાગે છે જ્યારે આપડે તો સાડા પાંચ વાગે પહોંચવાના હતાં. હું જોતો હતો એટલામાં મહેશભાઈ એ બૂમ મારી, "મનુ, વિજય, બાબુ! ઉજ્જૈન આવી ગયું. થેલા લૈલો સંભાળીને..!"
જો આ યાત્રામાં મહેશભાઈ અમારી સાથે ન હોત તો અમે દરભંગા પહોંચી જાત. એટલે તો શાસ્ત્રોમાં મોટેરાઓને ભગવાનનો દરજ્જો આપ્યો છે. જ્યાં સુધી સમાજમાં મોટેરા(વડીલ) ના આશીર્વાદ રહેશે ત્યાં સુધી તમને કોઈ હરાવી નહિ શકે.
- ચંદ્રસિંહ જી. પરમાર "Sargudi"( દહેગામ, ગાંધીનગર)



Comments