શિક્ષક તરીકે મારો પ્રથમ દિવસ
2016 નું વર્ષ હતું. હું ભણીને હાલ જ નીકળ્યો હતો. હજુ તો ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણની સુવાસ મારા મુખેથી આવતી હતી. મે ગુજરાતની નામાંકિત યુનિવર્સિટીમાં એમ.એ.નો અભ્યાસ કર્યો અને એ પણ અગ્રેજી વિષયમાં. બે વર્ષના ગહન અભ્યાસ પછી નોકરીની શોધમાં બજારમાં આવ્યો. મન હરખથી હરખાતું હતું કે મને પંદર વીસ હજારની નોકરી મળશે, લગ્ન કરીશું ને માતાપિતાની સેવા. મનના હરખને હજુ બે મહિના ન થયા ત્યાં એક ખાનગી શાળામાં સહાયક શિક્ષકની વાત આવી. આ શાળાનું નામ રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ, લિહોડા. શાળામાં અંગ્રેજી શિક્ષકની જગ્યા હતી ને આપડે અંગ્રેજીમાં માસ્ટર! મનમાં આનંદ નો પાર ના રહ્યો. હું ઇન્ટરવ્યૂમાં ગયો.
આચાર્ય સાહેબ મારી સામે જોયું. બોલ્યા," ભણાવતા ફાવશે?"
મે કહ્યુ, "હા!. પણ....."
"પણ શું?"
"મારી પાસે બી.એડ. ની ડીગ્રી નથી."
"તમારે ધોરણ આઠ થી ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓને અંગ્રેજી ભણાવવાનું થશે. જો તમ એના માટે તૈયાર હોં, તો આ વેકેશન બેન્ચ થી નોકરી આવી જાવ. સર્ટીફીકેટની જરૂર નથી." "મને તો ભાવતું હતું ને વૈદે કીધુ" જેવો આનંદ થયો. સાડા છ હજાર પગાર ને દિવાળી પછી સાત કરી આપવાનુ વચન લઈ હું કરાર બદ્ધ થયો.
બેંચના પહેલાં દિવસે મારે દશમા ધોરણના બાળકોને ભણાવવાનું થયું. હું મારા પ્રોફેશનલ કપડામા શટીગ કરીને નવ વાગે પહોંચી ગયો. ક્લાસમાં લગભગ ચાલીસ છોકરાં હતાં. કોઈ કુપોષણથી ઠીંગણા તો કોઈ મારા કરતાં પણ ઊંચા. હું પૂરી તૈયારી સાથે આવ્યો હતો. પાઠ્યપુસ્તક નો પહેલાં પાઠને કંઠસ્થ કરીને આવ્યો હતો. પહેલાં તો થોડી બીક લાગી, કેમનું બોલવું? કઈ રીતે પાટિયા નો ઉપયોગ કરવો? કઈ રીતે વિદ્યાર્થીઓનું ધ્યાન પોતાના તરફ ટકાવી રાખવું? કઈ રીતે આટલા બધા વિદ્યાર્થીઓને કાબૂમા રાખવા? આ બધું મારા માટે પડકારરૂપ હતું. મે સાંભળેલું કે " FIRST IMPRESSION IS THE LAST IMPRESSION" એટલે ગમેતે ભોગે ચાલીસ છોકરાં પર ચડાઈ કરવા હું તૈયાર હતો અને એમાં પણ જીતવાનું જ હતું.
મેં મારો પરિચય આપી બધા બાળકોનો પરિચય લીધો. બાળકોના ઉભા થવા થી એમના બોલવા સુધી બારીકાઇ થી નિરીક્ષણ કરવાનુ શરૂ કર્યું જેમ હું સોની ન હોય! તમે જોયું કે સોની કોઈ પણ દાગીના ખરીદતા પહેલાં એના પેલા ગોળ બિલોરી કાચ વડે દાગીના પર કંઇક શોધે છે.
એક લંબુ છોકરો ઊભો થયી મને પ્રશ્ન કર્યો, "સાહેબ તમે કેટલું ભણેલા?" બધાં છોકરાઓ હસવા લાગ્યા; એમને મન હવે મજા આવશે.
"એમ. એ. વિથ ઇંગ્લિશ". " કેમ?"
"ગયા વર્ષે એક સાહેબ આયા'તા. બસ લખાય લખાય કરતાં તાં. અમે તો કંટાળી જ્યાં! પે'લા દન થી ભનવાનું ચાલુ્. હું બો..લ ઈ ખબર જ ના પડ. બધું બાઉન્સ જ જાય."
મેં એને બેસાડ્યો, આખા વર્ગને સંબોધી ને જાણે પોતે દેશ નો પ્રધાનમંત્રી ન હોય! "મારા વ્હાલા વિદ્યાર્થી મિત્રો! હું તમને આખા વર્ષનું શિડ્યુલ આપી દઉં છું... આપડે અઠવાડિયાના છ વર્ગમાં માત્ર ચાર વર્ગ જેટલું જ ભણવાનુ છે; બે વર્ગમાં આપડે ક્રિએટિવ કાર્ય કરવાનુ છે. હું તમને વિશ્વાસ અપાવું છું કે આ બોર્ડની પરિક્ષામાં આપ સહુ સારા ગુણે પાસ થશો. ક્રિએટિવ કાર્ય એટલે અંગ્રેજીમાં કઈ રીતે વાત કરવી; અંગ્રેજી પેપર કઈ રીતે લખવું; ઓછી મહેનતે સારા ગુણ કઈ રીતે લાવવા અને અક્ષર કઈ રીતે સુધારવા વગેરે." એટલામાં તો બેલ પડ્યો. પીરીયડ પૂરો થઇએ રહ્યો ને આપડો કલાક પૂરો! આત્માને ટાઢક વળી. "હાશ! આજનો પહેલો દિવસ તો સારો ગયો!" છોકરાઓને પ્રથમ પાઠ "THE SELFISH GIANT" વાંચી લાવવાનુ કહી હું નીકળી ગયો, જાણે કે હું પોતે "selfish" અને બાળકો "Giant" ન હોય!
✍️ ચંદ્રસિંહ જી પરમાર, "સરગુડી" (દહેગામ, ગાંધીનગર)
(વિચાર. : સાચી કેળવણી અને સાચી શૈલી માત્ર પ્રમાણપત્રથી નથી પ્રમાણિત કરી શકાતી; ઘણીવાર પ્રમાણપત્ર વાળા કરતાં કોઠાસૂઝ વધુ કારગર નીવડે છે.)

Comments