"હૃદય તૃષ્ણા" by chandrasingh
લેખક: ચંદ્રસિંહ જી પરમાર
ગામ: સરગુડી
પોસ્ટ: લિહોડા
તાલુકો: દહેગામ
જીલ્લો: ગાંધીનગર
પીન નંબર: ૩૮૨૩૧૫
ઉપનામ: "ચંદ્ર" નામે પદ્ય
"બાપૂ" નામે ગદ્ય
YouTube channel: Chandrasingh vlogs.
'હૃદય તૃષ્ણા:'
"જે ભગવાન! કેમ છે જીગા?" મેં થોડા આવેશમાં પૂછ્યું.
" જે ભગવાન! જે ભગવાન! બોલો, બાપૂ!" વિનમ્રતાથી સામે જવાબ આવ્યો.
"યાર, હવે ફોન પરય તમારા દર્શન દુર્લભ થઇ ગયાં છે. બહુ વ્યસ્ત લાગો છો!" ટોણો મારતાં મે કહ્યું.
"બે દિવસથી છાતીમાં શુળ ફૂટતી હોય એવું લાગે છે, રાત્રે વધારે હતું; એટલે અત્યારે જ ઉઠ્યો." અસ્વસ્થતા સાથે ધીમા સ્વરે જવાબ આપ્યો.
"કેમ વળી? પાછું શું થયું તને? ને હમણાંથી તારા મમ્મીની તબિયત કેમ છે?" ચિંતા અને આશ્વર્ય સાથે મારાથી પૂછી લેવાયું.
"નથી કહેવું જાવા દે ને! બોલ કેમ ફોન કર્યો હતો?" મારી વાતના બે ફડચાં કરી તે આગળ વધ્યો.
"યાર, પૈસાની ખૂબ જરૂર પડી છે. પણ... પણ, પે'લાં તું સારી દવા કરાવ. હું બે મહિનાથી તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા સાટું નોકરીથી રજા પર હતો; એટલે બહું ખેંચ પડી છે." મારી આર્થિક હકીકત જણાવી તેની માનસિકતા જાણવાનો ફરી પ્રયાસ આદર્યો.
જીગ્નેશ ડાભી ઉર્ફ જિગો, મારી કોલેજનો મિત્ર. શાંત અને સહજ સ્વભાવ. ભણવામાં હોંશિયાર. તારીખ યાદ રાખવાનું મશીન. મધ્યમ વર્ગીય કુટુંબમાં જન્મ થયો હોવાથી અતૃપ્ત આશાઓના બોજ તળે દબાયેલો હતો. તે તેના ગામની પંચાયતમાં મદદનીશ તરીકે કામ કરી ભણવાનો ખર્ચ કાઢી રહ્યો હતો. તેની સાથેના મોટાભાગના મિત્રો ક્યાંકને ક્યાંક નોકરી તથા યોગ્ય છોકરી સાથે સેટલ થઇ ગયેલાં, ને આપડે તો બન્નેય બાકી!
તાજેતરમાં ગુજરાત રાજ્ય લોક સેવા સંઘ દ્વારા બહાર પડાયેલા વર્ગ તૃતીયની પ્રારંભિક પરીક્ષામાં તે પાસ થઇ ગયો. સગાંઓએ વાત વાયડે વહેવડાવી. જીગભાઈના જીવનમાં કંઇક નવું થવાનું હતું. આમેય રાજપૂત સમાજમાં લગ્નની સરેરાશ ઉંમર પુરુષમાં ૧૮ થી ૨૦વર્ષ તથા સ્ત્રીમાં ૧૬ થી ૧૮વર્ષ જ હોય છે. જો કોઈ દીકરી આ ઉંમરના દાયરાને વટાવી ગઈ તો સમજો, વધ્યા ઘટ્યાં મૂરતિયા મળે. એજ રીતે કોઈ દીકરો આ ઉંમરને પાર કરી ગયો તો સેકંડમાં(નાતરાંવાળી) કન્યા મળે. જો કે હાલ સમાજમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે, બાળલગ્નો ઘટી રહ્યાં છે. શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. દીકરી પણ હવે ભણીગણી નોકરી મેળવી, લગ્નની ઓફર સ્વીકારે છે.
વતનથી દશ કિલોમીટરના અંતરે જીપીએસસી પરીક્ષા પાસના વાવડ પહોંચ્યા. કૉલેજના ત્રીજા વર્ષમાં ભણતી ગાયત્રી સંગ સગપણની વાત આવી. હવે જીગાના બંને હાથમાં લાડું હતાં. સગપણ થઇ ગયું. જીગો બહુ સેંટી એટલે કે લાગણીશીલ માણસ. એને આગંતુક સાથે પણ અનોખી માયાં.
ગાયત્રી ખરેખર રૂપરૂપનો અંબર. ઘાટીલો ચહેરો, દહીંની લસ્સીમાં ક્રીમ ઉમેરતાં બનતાં સંયોગ જેવા હોઠ એના ચહેરાની આભાને સ્પષ્ટ કરતાં હતાં. પ્રકૃતિ પ્રેમી ગાયત્રી પ્રકૃતિએ શાંત, પરંતુ શોખીન હતી. એને મન જીગા સાથેનું જીવન વૈભવી અને મોભાદાર જીવવું હતું. વણભાળેલું ભવિષ્ય ભોગવવા જીગા સાથે તેણે લાગણીના તાર બાંધી દીધાં.
જીગો સ્વભાવે ભોળો. એને મન, હવે તેની પાસે મોભાદાર નોકરી અને આબરૂદાર પત્ની આવી ગઈ. ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓનો રાફડો ફાટયો. બિન સચિવાલય ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ગુજરાત પોલીસ ભરતી તથા પંચાયત વિભાગની તલાટી, જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા. જીગાની યાદ શક્તિ ગજબની. એને હેડ ક્લાર્કની હેતુલક્ષી તથા કમ્પ્યુટર ટેસ્ટ સારો રહ્યો. એને મન આ વખતે નિમણુક પત્રોની લાઈન લગાવી દેવાની હતી!
સમય સમયનું કામ કર્યે જતો હતો.. ગુજરાતમાં જેટલી ઝડપી સરકારી ભરતી પરીક્ષાઓ લેવાઈ, એટલી જ ઝડપી કૌભાંડોની ભરમાર પણ સર્જાઈ. પેપરો ફૂટવા લાગ્યાં; ગુજરાત સરકાર ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા) વિધેયક, ૨૦૨૩ લાવવામાં આવી. પરીક્ષાના પરિણામો આવવા લાગ્યાં. હેડ ક્લાર્કની કમ્પ્યુટર ટેસ્ટમાં ગેરરીતિ પકડાતા સરકારે આ ટેસ્ટ રદબાતલ કર્યો. ગુજરાતના કેટલાય ઉમેદવારોની તૃષ્ણા હવે ઝાંઝવાના જળ જેવી લાગતી હતી. કહેવાય છે ને કે ચોર હંમેશા પોલીસ કરતાં એક ડગલું આગળ હોય! ગુજરાત પોલીસ ભરતી હેઠળ લેવાયેલ પોલીસ સબ ઇન્સ્પેકટરની પરીક્ષામાં ડમી ઉમેદવારો સીધા ટ્રેનિંગ સેન્ટર તાલીમ લેવાં પહોંચી ગયાં, ને એક મહિનાનો પગાર પણ લઈ લીધો!
ગાયત્રીની ધીરજ ખૂટી. તેને વૈભવી ભવિષ્ય ઝાંખું દેખાવા લાગ્યું. ગુજરાત લોક સેવા આયોગની મુખ્ય પરીક્ષાનું પરિણામ લંબાઈ રહ્યું હતું. હેડ ક્લાર્ક સિપિટી(કમ્પ્યુટર ટેસ્ટ) ફરી લેવાવાનો હતો, ભરતી પરીક્ષામાં હવે "પેપર ફૂટ્યું" શબ્દને બદલે "ડમી કાંડ" શબ્દ ઉમેરાઈ ગયો હતો. ગાયત્રીએ તેના પિતાને માંડીને વાત કહી.
સફળતા સૌને દેખાય છે પરંતુ સફળતા પાછળ થતાં સો પ્રયત્નો કોઈને દેખાતાં નથી. ગાયત્રીના પિતાશ્રી નોકરીવાળો જમાઈ શોધવા લાગ્યાં. એચ.ડી.એફ.સી. બેંકમાં નોકરી કરતાં જીતેન્દ્ર નામના છોકરાં સાથે તેનું સગપણ ગોઠવાઈ ગયું. જીતેન્દ્ર મહિને વીસ હજાર રૂપિયા કમાઈ લેતો હતો, જ્યારે જીગો માત્ર દશ હજાર. જીગો આ વાતથી તદ્દન અજાણ હતો.
ગાયત્રીના ઘડિયા લગ્ન લેવાયાં. જીગાને આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે તેના ઘરે લગ્નની કંકોત્રી આવી! તેના હૈયે ફાળ પડી:
"ના મળી નોકરી કે ના છોકરી!
આ તે શું કર્યું? આટલો મોટો દગો?
માનીતી તને મારી, વળી કેમ હવે તું ફરી!
બેઠા'તાં બેઉં પાળે, શામળાજી ડેમના આરે!
સોમનાથ દાદાને નમી, નાહ્યાં જલધીના વારિ!
મળ્યાં'તાં ગોમતી આરે, નિજ દ્વારકેશના દ્વારે!
નહોતાં પૈસા મારી પાસે, લીધાં ઉધાર તારી કાજે!
યાદ રાખજે, ઓ ભૂંડી નાર, હું આવીશ! આવીશ!"
(*નોંધ: અહી દર્શાવેલા તમામ સ્થળ પરીક્ષા કેન્દ્ર તથા પરીક્ષા પૂર્ણ થયા બાદ પ્રેમમિલનના સ્થળ બન્યાં છે.)
જીગા મનોમન તૂટી ગયેલો. એનું નાજુક હૃદય ઘડિકભર થંભી ગયું. કપરા સમયમાં તમારો સમય પણ તમને સાથ નથી આપતો. દવાખાનેથી રિપોર્ટ આવ્યો.
"હૃદયરોગનો હુમલો આવ્યો છે જીગ્નેશભાઈ. થોડા દિવસ આરામ કરો, એટલે સાજા થઇ જશો." ડોક્ટરે સલાહ આપતાં દવાની પરચી આપી.
"આભાર સાહેબ" પહેલાં નોકરીની તૃષ્ણા, પછી છોકરીની તૃષ્ણા ને હવે હૃદયની તૃષ્ણા? મનુષ્ય અવતાર મળ્યાનો નિસાસો નાખતો જીગો દવાની પરચી લઈ લથડિયાં ખાતો ખાતો દવાખાનાની સીડી ઉતર્યો.
એટલામાં ફોનની રીંગ વાગી.
"હમમ... બોલો બાપૂ!" ઢીલાં સ્વરે બોલ્યો.
"ભાઈ ખૂબ ખૂબ અભિનંદન મારાં ભાઈ! હવે તું નાયબ મામલતદાર બની ગયો છે." આનંદના અતિરેકમાં મોટા અવાજે હું બોલ્યો.
"અરે! જીપીએસસી નું પરિણામ આવી ગયું? હું પાસ થઇ ગયો! હે મારાં નાથ! મારા ખરાબ સમયમાં માત્ર તું જ વહારે આવ્યો. હવે મારી હૃદય તૃષ્ણા સંતોષાશે. વાહ મારા ડાકોરવાળા! મારા હૃદયના વજ્રઘાત પર મલમ લગાવવા તું આવ્યો ખરો, વ્હાલા!."
આભાર મિત્રો.
Comments