શાળા પ્રવેશોત્સવ 2022

 


પ્રસ્તાવના:

આપણી આર્ય સંસ્કૃતિમાં ચાર આશ્રમનું મહત્વ ઘણું અંકાયેલું છે: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સન્યસ્થાશ્રમ. વૈદિક યુગીન કાળમાં શિક્ષાનું મહત્વ અનેરું હતું. એ વખતે બાળકો ભણવા ગુરુના આશ્રમમાં જતાં, ગુરુની આજ્ઞાનું શબ્દશઃ પાલન કરતાં, ગુરુ આશ્રમના દરેક કામ કરતાં. એ સમયે પણ આશ્રમમાં આવતા શિષ્યો માટે પ્રવેશોત્સવ થતો; જે તે રાજા દ્વારા નગરભોજનું આયોજન થતું

શાળા પ્રવેશોત્સવ એટલે શાળામાં નાના ભૂલકાઓને ધોરણ એકમાં પ્રવેશ આપવો.ગુજરાત સરકારે 1998-99ના વર્ષથી શાળા પ્રવેશોત્સવ નામનો કાર્યક્રમ અમલમાં મૂક્યો. શરૂઆતમાં બનાસકાંઠા, પંચમહાલ અને ડાંગ જિલ્લામાં આ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો હતો.  આ કાર્યક્રમ ગુજરાત સરકાર દ્વારા આરંભાયેલ શિક્ષા યજ્ઞના ભાગ રૂપે ચાલી રહ્યો છે. આ કાર્યક્રમનો હેતુ, બંધારણના અનુચ્છેદ 21A (રાજ્યના છ થી ચૌદ વર્ષના બાળક માટે શિક્ષા નિશુલ્ક અને અનિવાર્ય રહેશે)ને શબ્દશઃ સાકાર કરવાનો છે. 19 નવેમ્બર, 1984થી મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકીના સમયમાં અમલમાં આવેલી મધ્યાહન ભોજન યોજના પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ માટેની છે. ગરીબ બાળકોને પોષણયુક્ત ખોરાક મળી રહે અને શાળા પ્રવેશમાં વધારો થાય તે હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.

શાળા પ્રવેશોત્સવમાં અધિકારીઓની હાજરીનું મહત્વ:

• શાળા પ્રવેશોત્સવ એ સરકારનું ખૂબ જ સરાહનીય પગલું છે, જેમાં બાળકોને વિવિધ વહીવટી અધિકારીઓને મળવાનો સુવર્ણ મોકો મળે છે. ધોરણ -૧ માં પ્રવેશ લેતા તમામ વર્ગના બાળકોને શાળા પરિવાર, સમગ્ર ગામ, જિલ્લા કે તાલુકાના અધિકારીઓ દ્વારા સત્કારવામાં આવે છે. બાળકને કુમકુમ તિલક કરી, અભ્યાસ કીટ આપવામાં આવે છે. બાળકોને શાળા પ્રત્યે આકર્ષણ વધે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. બાળકના વાલીને પધારેલા વહીવટી અધિકારીને રૂબરૂ જોઈ, મળી; પોતાના બાળકને ભણાવી ગણાવી આવા અધિકારી બનાવવાની પ્રેરણા મળે છે. આવા ઉત્સવોથી લગભગ 20% જેવા કામચોર અધિકારીઓને જ વાંધો હશે, બાકી આવા ઉચ્ચ હોદ્દા વાળા જનપ્રતિનિધિઓના આગમનથી જ કેટલાંય એકલા અટુલા વિકાસવંચિત ગામો નવપલ્લવિત થયી જાય છે. હું તો એ વાતનો પણ ખૂબ આગ્રહી છું કે, સરકારે ગામડાનો ખરેખર વિકાસ જોવો હોય તો આપશ્રી જેવા પ્રજાવાંચ્છુ અધિકારીઓએ અઠવાડિયામાં 5 દિવસનું ઓફિસ વર્ક ને એક દિવસનું ફિલ્ડ વર્ક લેવું જોઈએ. તમારા આ ભગીરથ કાર્યથી વાસ્તવમાં દરેક ગામને ગોકુળિયું ગામ બનાવી શકાશે તથા સરકારશ્રીની જનકલ્યાણ યોજનાઓને ગ્રાઉન્ડ લેવલે અમલ કરવી શકાશે. કેન્દ્ર સરકારે 2014માં શરૂ કરેલી સાંસદ આદર્શ ગ્રામ યોજના પણ સાંસદને તેના મતક્ષેત્રના એક ગામને દત્તક લઈ મોડેલ ગામ બનાવવા ફરજ પાડે છે.

નોકરી અને શિક્ષણ પદ્ધતિ:

• નવી શિક્ષણ પદ્ધતિ હેઠળ બાળકના સર્વાંગી વિકાસનો લક્ષાંક રખાયો છે. બાળકને અભ્યાસની સાથે સાથે રમત ગમત, સંગીત, અને યોગ શીખવવા વખતોવખત આવા કાર્યક્રમો યોજાય છે. અભ્યાસક્રમોમાં પણ ઘણા ફેરફારો લાવવામાં આવ્યા છે. જો આપના બાળકનું ગણિત કાચું હોય તો તમે ધોરણ: ૧૦ માં બેસીક ગણિત રાખી શકો છો, જેથી ગણિતમાં નાપાસની સંખ્યા ઘટાડી શકાઈ છે. હવે નવી શિક્ષણ નીતિ મુજબ ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષા પણ રદ કરાઈ છે. આજના જમાનામાં માત્ર અભ્યાસનું મહત્વ નથી રહ્યું, તેની સાથે સાથે કૌશલ્ય વિકાસ પણ જરૂરી બન્યો છે. આજે આપણી મોટાભાગની પ્રાથમિક શાળાઓમાં કમ્પ્યુટર લેબની વ્યવસ્થા કરાઇ છે. આજના સ્પર્ધાત્મક યુગમાં સરકારી નોકરીઓ લેવા યુવાનો દ્વારા ધમપછાડા ને ધ્યાને લેતાં, શાળામાં જ અઠવાડિક વર્ગોનું આયોજન કરાય છે. આજથી પ્રવેશ લેતા ભૂલકાઓને ચિત્ર અસરની પદ્ધતિ(visualising effect)થી શિક્ષણ અપાય તો મને વિશ્વાસ છે કે ગુજરાતના દરેક ગામમાંથી એક IAS/ IPS પેદા થઈ શકે છે.

બાળકનો ડ્રોપ આઉટ રેશિયો વધવાનું મુખ્ય કારણ:

શાળામાં બાળકની ગેરહાજરી એ સૂચવે છે કે, પાંચ વર્ષ સુધી કુટુંબની છત્રછાયામાં ઉછરેલું બાળક શાળાના વાતાવરણમાં જલદી ગોઠવાઈ શકતું નથી; જો આપડે શાળાને જ કુટુંબ જેવી બનાવી દઈએ તો!!  હજુ પણ ગુજરાતની ઘણીખરી શાળાઓમાં બાળકને બપોરનું ભોજન તો મળે છે પરંતુ ઘર જેવી "નવું કરવાની" સ્વતંત્રતા નથી મળતી. ઉદાહરણ તરીકે, તમે ઘરે તમારા બાળકને રમકડાંની ગાડી લઈ આપી, તમારું બાળક ખુશીથી એકદિવસ એની સાથે વિતાવી દેશે; બીજા દિવસે એ ગાડીનું નિરીક્ષણ કરી એના ટાયર કાઢી ફરી લગાવવાનો પ્રયત્ન કરશે; અને લગાવી પણ દેશે. હવે આજ ક્રિયા એને શાળામાં કરવી હોય તો...!  હું એમ નથી કહેવા માંગતો કે શાળામાં શિક્ષકોએ બાળકો પર સખ્તી બંધ કરી દેવી જોઈએ; એતો જરૂરી જ છે. "સોટી વાગે ચમ ચમ, વિદ્યા આવે ધમ ધમ..!"

વાલીની નૈતિક ફરજ:

આપણા બંધારણના અનુચ્છેદ 51 (ક)ની 11મી કલમ હેઠળ, 6 થી 14 વર્ષના બાળકને શિક્ષણની તક પૂરી પાડવી દરેક વાલીની નૈતિક ફરજ છે. આજે આપણે આ નૂતન અને પાવન દિવસે સંકલ્પ લઈએ કે,

૧.)આપણે આપણા બાળકોને  ફરજિયાતપણે સ્વચ્છ અને સુઘડ કપડામાં તૈયાર કરી સમયસર શાળાએ મોકલીશું.

૨.)આપડે આપડા વ્યસન પાછળ ખર્ચાતા ખોટા નાણાંનો સંગ્રહ કરી, તથા સમાજની દેખાદેખીથી દૂર રહી સામાજિક પ્રસંગોએ કરાતાં ખર્ચમાં કાપ મૂકી, પોતાના બાળકના અભ્યાસ માટે પુંજી એકત્ર કરીશું.

3.) નિયમિત શાળા પરિવારની મુલાકાત કરી, બાળકની મર્યાદાઓ સમજી, એને ભણવા માટે પ્રોત્સાહિત કરીશું.

૫.)  બાળકને ભણવામાં સહાયરૂપ થતાં મોબાઇલનું સમયાંતરે મોનીટરીંગ કરીશું, તથા મોબાઇલનો હેતુ અભ્યાસથી વિપરીત હોય તો તુરંત જ એને પરત લઈ લઈશું.

જય હિન્દ. જય ભારત.


લી. ચંદ્રસિંહ જી પરમાર

મુ:. સરગુડી(દહેગામ)

#બાપૂ _ઉવાચ




Comments