"મફતનું મૂલ્ય" by Chandrasingh
![]() |
| "કેળવણીની કેડીએ" |
મારી કોલેજ પૂરી થયી ગઈ. હું હવે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સાથે સાથે નોકરી શોધવા લાગ્યો. મારા કોલેજ ગ્રુપમાં બધાં સેટલ થઈ રહ્યા હતાં. મારે બસ મારો જ ખર્ચો કાઢવાનો હતો. મોટાભાઈ, ઘર ચલાવતાં નહિ પણ દોડાવતાં હતાં. મારા પડોશ ગામ લાખાજીના મુવાડા ખાતે નવી બનેલ, શ્રી રોયલ સ્કૂલમાં અંગ્રેજી ભણાવવાની ઓફર મળી. પગાર છ હજાર પાંચસો નક્કી થયો. હવે મને મારા પોકેટમનીની ચિંતા દૂર થયી. મેં વિચાર્યું કે હવે ગામમાં ટ્યુશન ક્લાસ ચાલુ કરી દવ. આપડે ભણ્યાં એટલે કોઈકને તો ભણાવીએ!
મારા ગામમાં લગભગ સાઈઠ જેવાં ઘર! મોટા ભાગના લોકો ખેતીમજૂરી કરે; એટલે ગામમાં એક બે ઘર સિવાય બધાં જમીન; ને બધાના ખેતરે શાકભાજીનું વાવેતર. રોજ પૈસાને રોજ દિવાળી!
"પપ્પા, મારે ટયૂશન ચાલુ કરવું છે, ગામમાં વાત કરજો!".
"ગામમાં કોઈ રૂપિયો નઈ આપે...!"
"ભલે! આપડે મફત ભણાવીશું!"
"સારું..!"
મારાં શિડ્યુલ મુજબ તારીખ નક્કી કરી; પાંચ છોકરાઓય મળ્યાં. મારો વિષય અંગ્રેજી હતો. સરકારી શાળામાં જતાં બાળકો રજાઓમાં અંગ્રેજી શીખી શકે એ ઉદ્દેશ્યથી આ શ્રી ગણેશ કરેલાં. પહેલાં દિવસે પાંચમાંથી ચાર આવ્યાં.
મેં બીએડ તો નહોતું કર્યું પણ ભણાવવાની શૈલી મેડ ઈન સરગુડી હતી. થોડું ઘણું રોયલ સ્કૂલના નરેશભાઈ સાહેબે શીખવાડેલું.
પ્રથમ દિવસે એ.બી.સી.ડી.થી શિક્ષણની શરૂઆત થયી. સૌપ્રથમ ત્રીસ મિનિટ અંગ્રેજી મૂળાક્ષરોની ઓળખ આપી, ચોપડામાં લખાવ્યા. બીજી ત્રીસ મિનિટમાં દરેક બાળકને મારી ફરતે ઊભા રાખી; એકબીજાનો પરિચય શીખવ્યો. મારી મતે, "બાળકને જ્ઞાન સાથે ગમ્મત કરતાં આમને આમ પંદર દિવસ જેવું ચાલ્યું. રોજ મારે એકના એક વિષયવસ્તુનું પુનરાવર્તન કરવું પડતું. બાળકો મારી પાસેનો કલાક જ ભણતાં, ઘરે જઈ એમની ધૂનમાં ખોવાઈ જતાં. મારી મહેનતનું ફળ નહોતું મળતું. હવે મને કંટાળો આવવા લાગ્યો.
મેં આ વાત સ્કૂલના શિક્ષક ગણ સમક્ષ મૂકી,
"મફતનું કંઈ મૂલ્ય નથી હોતું, ચંદ્રેશભાઇ! તમે ખોટી મહેનત કરી રહ્યાં છો. મને આ જ અનુભવ થયો હતો. તમે મફત ભણાવો એટલે આવા છોકરાઓ તમારો સમય ખાઈ જાય; સાચે જ ભણવા આવતાં અને હોશિયાર છોકરાંઓને ટાઇમપાસ લાગતા, ટ્યુશન છોડી દે; બીજું એ કે મફતમાં ભીડ પણ વધી જાય જેથી તમે હોશિયારને સમય ના આપી શકો." મેહુલભાઈ એ બળાપો ઠાલવ્યો.
"તો પછી મારે સારા રિઝલ્ટ માટે શું કરવું જોઈએ? મફત ભણાવવાનું બંધ કરવું જોઈએ?" મેં આતુરતાથી પૂછ્યું.
"બંધ નહિ કરવાનું! પણ તારે આ સમસ્યામાંથી બહાર નીકળવું હોય તો "મફત" બંધ કરી દે." તુષારભાઈએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું.
"તો આપડે ગામડામાં કેટલાં રૂપિયા ફી પોસાય?"
"સો રૂપિયા તો રાખવા પડે મહિનાના!" સંજયભાઈ બોલ્યાં.
"સો રૂપિયા પણ આપડાવાળાને મોંઘા પડે છે. મહિનો પૂરો થાય ને ફી માંગો એટલે કે(કહે) એટલું બધું શું ભણાવ્યું તે હો રૂપિયા થયી ગયાં..! આખા દિવસના સાત રૂપિયા લેખે દશ મસાલા(સોપારી,તમાકુ અને ચુનાનું મિશ્રણ) ખાઈ જતાં મોંઘવારી નથી નડતી! પેલું લગ્નોમાં ડી.જે.ના તાલે વરઘોડો કાઢી હજારો રૂપિયાનું દારૂખાનું ફોડી, બે હજાર લોકોનો જમણવાર કરતાં મોંઘવારી નથી નડતી...! આતો બસ, છોકરાં ભણાવવાની વાત આવે એટલે જ મોંઘવારી નડે." મેહુલભાઈ એ સમાજના દુષણો પર પ્રકાશ પાડ્યો.
"સો ટકા સાચી વાત મેહુલભાઈ! આપણને મહિને સો રૂપિયા આપવા મોંઘા પડતાં હોય, તો આ લોકો આવી મોંઘીદાટ પ્રાઇવેટ સ્કૂલની ફી કેમની ભરતાં હશે?" મેં જિજ્ઞાસાથી પૂછ્યું.
"પ્રાઇવેટ સ્કૂલમાં છોકરું ભણાવવું, સમાજમાં ક્રેઝ બની ગયો છે. એમાં પણ છોકરું ઇંગ્લિશ મીડિયમમાં ભણતું હોય, તો માબાપ ગામ ગામડું કરતા હોય છે!", સંજયભાઈ એ ટાપસી પૂરી.
"બીજે દહાડે, ટયૂશનમાં મેં છોકરાંઓને કહી દીધું કાલે પચાસ રૂપિયા ફી લેતાં આવજો!"
આજ દિન સુધી કોઈ છોકરું દેખાણું નથી..!
"ખરેખર, સમાજમાં મફતનું કંઈ મૂલ્ય નથી!"
સ્રોત: બહુચરાજી ભોજનશાળાની મુલાકાત લેતાં, તેની સ્વચ્છતા અને વ્યવસ્થા જોઈ લખવાની પ્રેરણા મળી. અહીં માત્ર ૨૪ રૂપિયામાં ભરપેટ જમવાનું મળે છે. જો કદાચ મફતમાં મળતું હોત તો આવી વ્યવસ્થામાં ઉણપ રહેતી.
લી. ચંદ્રસિંહજી. પરમાર
#બાપુ_ઉવાચ
મુ. સરગુડી
તા. દહેગામ
જી. ગાંધીનગર

Comments